
તા.૨૧/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં મંડલિકપુર ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓનાં લાભો મેળવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે તે હેતુસર ગામડે ગામડે ફરતા આ રથનું ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક થકી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ તકે આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલા કારીગર, રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

“મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ઓડીએફ પ્લસ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામજનો પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા.

આ કાર્યક્રમમાં સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયત આગેવાનશ્રીઓ, જેતપુર મામલતદારશ્રી એ. પી. અંટાળા, મેડિકલ ઓફિસરશ્રી શ્રી વિનાયક સુવાગીયા, વિસ્તરણ અધિકારી ખેતી શ્રી એન. પી. બોરડ ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રી, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








