
24 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજે અંબાજી ખાતે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના જન્મદિવસ નિમિત્તે માતાજી મંદિરે ધજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી ,બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને કાંતિભાઈ ખરાડી સાથે અનેક ધારાસભ્યો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આજે માતાજીના ધામમાં કોંગ્રેસના કાર્યક્રમમાં ધજાની પૂજા અર્ચના અને માતાજીની આરતી કરાઈ હતી. ત્યારબાદ મા જગત જનની અંબાના મંદિરના શિખરે ધજા અર્પણ કરવા માટે ધૂમધામથી અને નાચતા ગાતા મા અંબાના મંદિરે પહોંચ્યા હતા.આજે મા જગતજનની અંબાના ધામે કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.જેમાં સરકારની નીતિઓ પર અનેકો સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, સરકાર બેરોજગારી, મોંઘવારી સાથે સાથે દેશને ખાનગીકરણ કરી સરકાર દેશને વેચવા માટે બેઠી છે. તે હવે ચલાવી ના શકાય અને સરકાર વિરુદ્ધ અમે પૂરજોશથી અવાજ ઉઠાવતા રહીશું. અંબાજી મંદિરમાં જ્યારે મોહનથાળ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે તે નિર્ણય લેવા વાળાની ગાદી પણ બદલાઈ શકે છે. તેવા અનેકો પ્રહારો સાથે કોંગ્રેસે ભાજપની કાર્યપ્રણાલી પર અનેકો સવાલ કર્યા હતા.બીજી તરફ દારૂના મુદ્દે અમિત ચાવડાએ સરકારને આડા હાથે લેતા કહ્યું હતું કે, ગુજરાત સરકાર જ દારૂનો વેપાર કરે છે અને ભાજપની સરકારમાં દારૂ ક્યારેય બંદ થઇ શકે નહીં. વધુમાં અમિત ચાવડાએ ભાજપ સરકારને ચેલેન્જ આપતાં કહ્યું હતું કે, જો 1 મહિનાનો સમય કોંગ્રેસને આપવામાં આવે તો એક ટીપું દારૂ ગુજરાતમાં જોવા મળે નહીં અને આમ જો ના થાય તો કોંગ્રેસ રાજનીતિ છોડીને ઘરે બેસી જશે.



