હાલોલ:વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં પાવાગઢ તીર્થધામ ખાતે સેવા અને શ્રમનું દાન કરી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

તા.૨૨.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ રાજ્યભરના વિવિધ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન શરૂ થયું છે ત્યારે પંચમહાલ સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં સેવા અને શ્રમનું દાન કરી સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.કાર્યક્રમની શરૂઆત માંચી ઘાટ ખાતે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી.પંચમહાલ જિલ્લાના સર્વ ધારાસભ્યો,જિલ્લા કલેકટર આશિષ કુમાર અને વહીવટી તંત્ર સહિતના સેવાભાવી લોકોએ હાથમાં સાવરણો લઈને સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે મહાકાળી માતાજીના જયની સાથે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૫૦૦ વર્ષ પછી પાવાગઢ ખાતે ધ્વજારોહણ કર્યું છે.રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાન માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે આજનો દિવસ જ નહિં પરંતુ આગામી સમયમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તે જરૂરી છે. તેમણે પાવાગઢ ખાતે પ્રતિબંધિત કરાયેલ પ્લાસ્ટિક બાબતે જિલ્લા વહીવટીતંત્ર અને વેપારીમિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે સ્વચ્છતા રાખવી એ આપણા સૌ કોઈની નૈતિક જવાબદારી બને છે.આજે સરકારની મદદથી પાવાગઢ સતત વિકસિત બની રહ્યું છે. પાવાગઢ ખાતે પાતાળ તળાવ ખાતેથી બસ સ્ટેશન સુધીનો રસ્તો, પાવાગઢ બસ સ્ટેશન તથા એપ્રોચ રોડ,પાવાગઢ તળેટીથી માંચી સુધી,માંચી ચોક,વણઝારા વાસ, રોપ-વે અને તેનો આજુબાજુનો વિસ્તાર,મકાઈ કોઠાર તથા પાટિયાપુલ આજુબાજુનો વિસ્તાર, તારાપુર,દુધિયું અને છાસિયું તળાવ,પગથિયાં અને મંદિર પરિસર આમ સમગ્ર જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ,નગરપાલિકા,એબીવીપી, મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા અને કલરવ સ્કૂલના વિદ્યાર્થીઓ,સહેલી સેવા ટ્રસ્ટ,દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ,લઘુ ઉધોગ ભારતી હાલોલ,ફોરેસ્ટ વિભાગ,રોટરી અને લાયન્સ ક્લબ,હાલોલ સંગઠન અને બજરંગદળ વિભાગ સહિત સ્વયંમ સેવકો મળી કુલ અંદાજીત ૧૦૦૦થી વધુ લોકોએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.અહીં નોંધનીય છે કે જિલ્લા કલેકટર આશિષ કુમારે સફાઈ અભિયાનને લઈને જિલ્લાના નાગરિકોને તથા સેવાભાવી સંસ્થાઓને ગરિમા અને પવિત્રતાના ભાગરૂપે પાવાગઢ તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનવા અપીલ કરી હતી.સમગ્ર સફાઈ અભિયાનના નોડલ તરીકે હાલોલ પ્રાંત અધિકારી મયુર પરમારની નિમણુંક કરાઇ હતી.આ સફાઈ અભિયાનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી,હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર,કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી,મોરવા હડફ નાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર,જિલ્લા કલેકટર આશિષ કુમાર,નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,હાલોલ પ્રાંત અધિકારી મયુર પરમાર,નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણા સહિત વિવિધ સેવાભાવી લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા.










