હાલોલ બસ્ટેન્ડ આગળ ફિટ કરેલો વેધર શેડ 10 માસ અગાઉ વાવાઝોડામાં તૂટી પડયા બાદ લગાવાયો નથી,વેધર શેડ ન હોવાથી કાળઝાળ ગરમીમાં મુસાફરોને હાલાકી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૩.૨૦૨૪
હાલોલ નગરના મુખ્ય બસ સ્ટેન્ડ ની આગળ લગાવવામાં આવેલ વેધર શેડ ૧૦, માસ અગાઉ વાવાઝોડામાં તૂટી પડ્યા બાદ હજુ સુધી આ વેધર શેડ તેની યોગ્ય જગ્યાએ લગાવવામાં ન આવતા ગત ચોમાસામાં મુસાફરોએ વરસાદમાં મુશ્કેલીનો સામનો કર્યો હતો.હવે આવનારા દિવસોમાં કાળઝાળ ગરમીમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડનાર હોય મુસાફરોમાં તંત્ર ની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.હાલોલનું નવીન બસ સ્ટેન્ડ સન ૨૦૧૫, માં બન્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી તેમજ હાલના ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે તે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તા.૨૩.૫.૨૦૧૫ ના રોજ હાલોલના નવ નિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૬, પ્લેટફોર્મ વાળુ બસ સ્ટેન્ડ નું નવીન બિલ્ડીંગ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે બિલ્ડીંગની આગળના ભાગે પ્લેટફોર્મ ઉપર આવતી બસોમાં મુસાફરો આવન જાવન કરી શકે ત્યાં એક વિશાળકાય વેધર શેડ બનાવવામાં આવ્યો હતો.જોકે આ વેધર શેડ ૮ વર્ષના ટૂંકા ગાળામાં ગત તા.૨૩.૫.૨૦૨૩ ના એક વાવાઝોડામાં ધરાશાઈ થઈ ગયો હતો જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયેલ ન હતી.જે બાદ આ વેધર શેડ બે દિવસમાં ઉતારી લેવામાં આવ્યો હતો.જોકે આ વેધર શેડ મુસાફરોની સુવિધા ને ધ્યાનમાં રાખી ફરીથી ટૂંકા ગાળામાં પંચમહાલ એસટી વિભાગ દ્વારા લગાવો જોઈતો હતો પરંતુ આશ્ચર્યજનક રીતે આઠ માસ જેટલો સમય આ વેધર શેડ બસ સ્ટેશનના એક બાજુ જમીન પર ખડકેલો જોવા મળતો હતો. જો કે વેધર શેડ ને લઈને મુસાફરો દ્વારા લાગતા વળગતા તંત્ર પાસે વેધર શેડ મુસાફરની સુવિધા અર્થે લગાવવાની માંગ વારંવાર ઉઠતી હોય તંત્ર દ્વારા આ વેધર શેડ યથાવત જગ્યાએ લગાવવાની જગ્યાએ આ વેધર શેડને બસ સ્ટેશન ની એક બાજુ પરથી ઉઠાવીને દૂર ડેપો ખાતે લઈ જવામાં આવ્યો છે આનાથી મુસાફરોની નજર વેધર શેડ પર પડે નહીં અને આ અંગે કોઈ પૂછપરછ કરે નહીં તેમ મુસાફર જનતા માં ચર્ચાઇ પણ રહ્યું છે.અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ગુજરાત એસટી દ્વારા મુસાફરોની પ્રાથમિક સુવિધા તરફ ધ્યાન આપવામાં આવે છે. પરંતુ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ થાય છે રહે છે ની નીતિના કારણે મુસાફર જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું જોવા મળી રહ્યું છે. હાલોલ બસ સ્ટેન્ડ ખાતે થી પ્રતિદિન ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય આવનારા ઉનાળાની કાળઝાળ ગરમી પહેલા આ વેધર શેડ તંત્ર દ્વારા યુદ્ધ ના ધોરણે બનાવવામાં આવે તેવી મુસાફરોમાં માંગ ઉઠી છે.










