
પરિક્રમા વાસીઓને પડતી મુશ્કેલી અંગે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર દોડ્યું : શ્રદ્ધાળુઓની સુવિધાઓની સમીક્ષા કરી
જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ ટીમ નર્મદા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રેંગણ ઘાટ પર સંયુક્ત રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હયાત અને વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા અધિકારીઓને સુચના આપી
એસડીઆરએફની ટીમનું પણ નિરીક્ષણ કર્યું : કોઈ પરિક્રમા વાસીને અવગડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરી છાંયડો, મેડિકલ સુવિધા, ઓઆરએસ, અન્નક્ષેત્ર, બોટ, આશ્રયસ્થાન વગેરે બાબતો અંગે ઝીણવટભરી તકેદારી વિકસાવી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલી નર્મદા મૈયાને ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અર્થે સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને તહેવાર અને જાહેર રજાના દિવસોમાં શ્રદ્ધાળુઓ વધુ સંખ્યામાં ઉમટી પડતા હોવાથી ગત રવિવારે અવ્યવસ્થા સર્જાઈ હતી શ્રધ્ધાળુઓ ને મુશ્કેલી પડી હતી ત્યારે સમાચારોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દોડતું થયું
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની આગેવાનીમાં નર્મદા નદી, જ્યાંથી શ્રદ્ધાળુઓ બોટ મારફતે પસાર થઈ પરિક્રમા પૂર્ણ કરે છે તેવા રેંગણ ઘાટ ખાતે બપોરે પહોંચી જરૂરી વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓના આવા-ગમન માટે બનાવવામાં આવેલી જેટીનું નિરીક્ષણ કર્યું હતું. બોટમાં બેસીને સ્વયં મુસાફરી કરી હતી.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રની ટીમે રામપુરા ગામ ખાતેથી તિલકવાડા તાલુકાના રેંગણઘાટ પર બોટ મારફતે નદી પાર કરી પ્રવાસીઓના વ્યવસ્થામાં જોતરાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ સુરક્ષા વ્યવસ્થાની કામગીરી સંભાળી રહેલા પોલીસ વિભાગના અધિકારી પોલીસ જવાનો અને તાલુકા મામલતદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે સમીક્ષા બેઠક યોજી પરિક્રમા અંગે વિગતે માહિતી મેળવી હતી. સાથોસાથ શ્રદ્ધાળુઓના વધુ ધસારાને પહોંચી વળવા નવી બની રહેલી જેટી (કાચા ઘાટ) નું પણ નિરીક્ષણ કર્યું હતું.
આગામી સમયમાં આવી રહેલી જાહેર રજાઓને ધ્યાનમાં લઈને તેમાં શ્રદ્ધાળુઓ વધુ સંખ્યામાં આવે તેવી શક્યતાઓને લઈને નદી પાર કરવા માટે શ્રદ્ધાળુઓને બેસવા માટે પૂરતો છાયડો મળી રહે તે માટે મંડપ ઊભા કરવા, પાણીની પૂરતા પ્રમાણમાં સુવિધા ઉપલબ્ધ થાય અને પ્રાથમિક સારવારની જરૂરી સુવિધાઓ સ્થળ પર ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ તાકીદ કરી હતી.
એસડીઆરએફની ટીમ તહેનાત કરવા સાથે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને નદી પાર કરતી વખતે શ્રદ્ધાળુઓની સલામતી જળવાઈ રહે તેવા હેતુ સાથે વડોદરા ખાતેથી “એસડીઆરએફ” ની એક ટીમ હાલમાં જ્યાંથી શ્રદ્ધાળુઓ નદી પાર કરે છે તે રામપુરા ઘાટ અને રેંગણ ઘાટ ખાતે સલામતી બોટ સહિત અત્યાધુનિક સાધનો સાથે ૨૪X૭ કલાક સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આ ટીમ દ્વારા નદીમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અને હોડીમાં બેસવા માટે ટિકિટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. સાથેસાથ પરિક્રમા માટે પધારનારા ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરવા સાથે જો કોઈ મુશ્કેલી જણાય તો તેવા સંજોગોમાં હેલ્પલાઈનની મદદ લઈ શકાય તે માટે જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ તરફથી ૦૨૬૪૦-૨૨૪૦૦૧ નંબર જાહેર કરવામાં આવ્યો છે. 
હોડી ઘાટના ઇજારદારો સાથે બેઠક યોજી
ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને નદી પાર કરવા માટે રામપુરા અને રેંગણ ઘાટ ઉપર સંચાલન માટે ઇજારો આપવામાં આવ્યો છે. આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે હોડી ઘાટના ઈજારદારો સાથે બેઠક યોજી આગામી સમયમાં શ્રદ્ધાળુઓ વધુ સંખ્યામાં આવે તેવી શક્યતા હોય બોટની સંખ્યા વધારવા તેમજ નવા ઘાટની સુવિધા અને વધુ સ્ટેન્ડ ઉભા કરવા બેરિકેટ તેમજ પ્રવાસીઓને ટિકિટ આપવા પણ સૂચના આપી હતી. અને બેઠકની મર્યાદા પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. અને નદીની આસપાસના આશ્રમો અને આગેવાનો સાથે સંકલન કરી પરિક્રમા કરવા આવતા યાત્રિકોને અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 






