પાવાગઢ ડુંગર પરથી ઉતરી રહેલો આઇસર ટેમ્પો ઊંડી ખીણમાં ખાબકયો, ડ્રાઇવરને પહોંચી ગંભીર ઈજાઓ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૫.૨૦૨૪
યાત્રાધામ પાવાગઢ ડુંગર માંચી ખાતે મંદિર નો માલ સામાન ઉતારી પરત ફરી રહેલો આઇસર ટેમ્પો સેલ્ફી પોઇન્ટ થી થોડે આગળ મોટા વળાંકમાં ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો સેફટી રેલિંગ તોડી અંદાજિત 100 ફૂટ ઉડી ખીણમાં ખાબકતા સ્થાનિક લોકો તેમજ પાવાગઢ પોલીસે રેસ્ક્યુ હાથધરી ટેમ્પા ચાલકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર પાવાગઢ નીજ મંદિર ખાતે વિવિધ ઉપયોગો માટે જરૂરિયાત મુજબ ઘીનો જથ્થો મહેસાણા ખાતે આવેલ ખાનગી ડેરીમાંથી મંગાવવામાં આવતો હોય છે.જે અંતર્ગત આજરોજ મહેસાણા થી એક ટેમ્પોમાં ઘીનો જથ્થો આવ્યો હતો.જે ટેમ્પા નો ચાલક પ્રવીણભાઈ નાનજીભાઈ પ્રજાપતિ ઉ.વ.૩૧, રહે. ધનકવાડા તા.દિયોદર જી. બનાસકાંઠા ટેમ્પો લઈ ડુંગર પર પહોંચી ઘીનો જથ્થો ખાલી કરી પરત જતો હતો દરમિયાન ડુંગર પરથી ઉતરતા સેલ્ફી પોઇન્ટ પાસે ટેમ્પો પહોંચ્યો ત્યારે અચાનક ડ્રાઇવર નો સ્ટેરીંગ પરથી કાબુ ગયો હતો. જોકે પ્રાથમિક તબક્કે જાણવા મળતી માહિતી મુજબ તે સમયે બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું જાણવા મળેલ છે. જોકે આ સમયે ટેમ્પો ડુંગર પરથી ઉતરતા વાહનોની સલામતી અર્થે લગાવવામાં આવેલ સેફટી રેલિંગ તોડી ટેમ્પો 100 ફૂટ જેટલી ઊંડી ખીણમાં ખાબકયો હતો.દુર્ઘટના થતાં ડુંગર પર ચઢતા અને ઉતરતા અન્ય વાહનોના ચાલકોએ પોતાના વાહનો ઉભા રાખી તાત્કાલિક ધોરણે ટેમ્પો ચાલકની મદદ અર્થે દોડ્યા હતા. જ્યારે આ બનાવની જાણ સ્થાનિક જીપ ચાલકો ને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડ્રાઇવરને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.જ્યારે બનાવ અંગે પાવાગઢ પોલીસને જાણ થતા પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે પોલીસ તેમજ સ્થાનિકો દ્વારા ટેમ્પો સાથે ખીણમાં ખાબકેલ ટેમ્પો ચાલક પ્રવીણભાઈ ને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકને ખીણમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ૧૦૮,એમ્બ્યુલન્સ મારફતે હાલોલ ની સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હાલોલ ની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.જ્યારે બનાવની જાણ ટેમ્પો ચાલકના પરિવારજનો ને કરવામાં આવતા તેઓ પણ ધનકવાડા થી હાલોલ આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળેલ છે.










