
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૪.૨૦૨૪
હાલોલ નગર સહિત તાલુકામાં મંગળવારના રોજ હનુમાન જયંતી પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હનુમાન ભક્તો દ્વારા હનુમાનજી ને સિંધુર, કાળા અડદ સહીત તેલ ચઢાવી અભિષેક કરી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.ચૈત્ર સુદ પૂનમ એટલે ભગવાન શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજી ના જન્મ દિવસ.આ શુભ દિને પ્રતિવર્ષે હનુમાન જયંતિ પર્વ ની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે.આજે હનુમાન જયંતિ પર્વ ને લઈને હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે તેંમજ બીલીયા પુરા ખાતે આવેલ બાલભોલા હનુમાનજી સહીત તાલુકામાં આવેલા તમામ હનુમાનજીના મંદિરોમાં આજે વહેલી સવારથી હનુમાન ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી. અને જય શ્રીરામ ના ગગનભેદી નારાથી હનુમાનજી ના મંદિરો ગુંજી ઉઠ્યા હતા.નગરના કંજરી રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાન મંદિર ખાતે કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ તેમજ બ્રહ્મલીન મોહનદાસજી મહારાજની પ્રેરણાથી ગત રોજ સોમવાર ના સવારે ૯.૦૦ કલાકે 42 મોં અખંડ રામાયણ નો પાઠ આરંભ થયો હતો.જે આજે મંગળવારે હનુમાન જયંતી ના રોજ સવારે ૯.૦૦ કલાકે સંપન્ન થયો હતો. ત્યારબાદ ૯.૩૦ કલાકે શ્રી મારૂતિ યજ્ઞનો વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિવત મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો આરંભ થયો હતો.જે સાંજે ૫.૦૦ કલાકે હવનકુંડમાં શ્રીફળ હોમી આ મારુતિ યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ૬.૩૦ કલાકે હનુમાનજી મંદિર ખાતે મહા આરતી કર્યા બાદ રામાયણ યુવક મંડળ હાલોલ દ્વારા મહાપ્રસાદ ભંડારો શરૂ કરવામાં આવ્યો હતો.જ્યાં ભક્તો મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવતા હતા.જ્યારે નગરના બીલીયાપુરા ખાતે આવેલ શ્રી બાલાભોલા હનુમાનજી મંદિર દ્વારા આયોજિત હનુમાન જયંતી ઉજવણી પ્રસંગને અનુલક્ષી છેલ્લા 20 વર્ષ થી ૧૧ કુંડી મારુતિ યજ્ઞ કરવામાં આવે છે જે મારુતિ યજ્ઞ નો પ્રારંભ મંગળવાર ની સવારે ૯.૦૦ કલાકે કરવામાં આવ્યો હતો.ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સાંજે ૫.૩૦ કલાકે અગ્નિકુંડમાં વૈદિક મંત્રોચાર સાથે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ હનુમાન ભક્તોને મહાપ્રસાદી પીરસવામાં આવી હતી. મોટી સંખ્યમાં ઉપસ્થિત ભક્તો શિસ્તબદ્ધ રીતે પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.











