
તા.૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ નિમિત્તે ગોંડલના પાટીદડ ખાતે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન દેનાર મહિલાઓના સન્માન, વિવિધ યોજનાઓના મંજૂરી હુકમો અને કીટ વિતરણ કરાયા
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રાજકોટ જિલ્લાના આદર્શ દીકરી ગામ – પાટીદડ ખાતે ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા વિવિધ ક્ષેત્રમાં પોતાનું વિશિષ્ટ પ્રદાન કરનાર મહિલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની વ્હાલી દિકરી યોજનાઓની કીટ વિતરણ તેમજ ગંગા સ્વરૂપા યોજનાઓના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેએ મહિલાઓના મહત્વને દર્શાવતા કહ્યું હતું કે, સમાજમાં જો મહિલા ન હોય તો કોઈ પણ પુરુષ ક્યારેય આગળ ન વધી શકે. આજના સમયમાં આપણે દીકરી જન્મને વધાવવા જોઈએ. સ્ત્રી સશક્ત તો જ બનશે જો તે શિક્ષણ પ્રાપ્ત કરશે ત્યારે કન્યા કેળવણીને દરેક પરિવારે મહત્વ આપી મહિલાઓને સુદઢ, સશકત અને સ્વાવલંબી બનાવવા માટે સહકાર આપવો જોઈએ. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યુવતીઓને સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરી જીવનમાં શિક્ષણ અને અનેક નવી વસ્તુઓ શીખવા અપીલ કરી હતી.
આ તકે, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા તથા પાટીદડ ગામની બાળાઓએ નૃત્ય નાટિકાઓ પ્રસ્તુત કરી સૌનું અભિવાદન કર્યુ હતું જે બદલ સરપંચ તથા ઉપસરપંચશ્રીએ બાળાઓને પ્રોત્સાહક રકમ ભેટ આપી હતી. કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિતોએ દિકરી જન્મને પ્રોત્સાહિત કરવા અંગેના શપથ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાનું પાટીદડ ગામ ગુજરાત રાજ્યનુ પ્રથમ “દિકરી ગામ” છે, જયાં દરેક ઘરની નેઇમપ્લેટ તે ઘરની દિકરીઓના નામથી શોભે છે, અહીં સમરસ બાલિકા પંચાયત પણ છે. આ ગામમાં દીકરીઓ કેળવણીમાંથી ડ્રોપ આઉટ નથી થઈ. દીકરી જન્મને પ્રોત્સાહન આપવા અહીં શાળા, આરોગ્ય કેન્દ્ર,બસ સ્ટેન્ડ જેવા અનેક જાહેર સ્થળો પર ભ્રૃણહત્યા અટકાવવા અને કન્યા કેળવણી વધારવા માટેના સૂત્રો અને યોજનાલક્ષી માહિતી આપવામાં આવી છે.
કાર્યક્રમમાં કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન અંતર્ગત પ્રાંત અધિકારીશ્રી રાહુલ ગમારાએ ગ્રામજનોને આગામી ચૂંટણીમાં આદર્શ અને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરણા આપી હતી. એન.સી.ડી. દ્રારા ૩૦૦ જેટલા ગ્રામજનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં લોકોના ડાયાબિટીસ, બી. પી.ની ચકાસણી સાથે મહિલાઓને સર્વાઇકલ કેન્સરની જાગૃતિલક્ષી માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ચિરાગભાઈ ગોલ, પાટીદડ ગામના સરપંચશ્રી મુકેશભાઈ વીરડીયા, ઉપસરપંચ શ્રી કોકીલાબેન ખાચર, અગ્રણીશ્રી ગોપાલભાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઈલાબેન ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી રાહુલ ગમારા, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સોનલબેન રાઠોડ, શ્રી સીમાબેન શિગાળા, આકાશવાણીના પૂર્વ સ્ટેશન ડાયરેક્ટરશ્રી ગીતાબેન ગીડા, તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.