હાલોલ તાલુકાના ધારીઆ ખાતે જિલ્લા કલેક્ટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ

તા.૨૦.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ધારીઆ ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી.આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગ્રામલોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો જિલ્લા કલેકટર એ ત્વરિત નિકાલ લાવવા સબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા કલેકટર એ આંગણવાડી,શિક્ષણ અને સ્વાસ્થ્ય વિશે વાત કરતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને આરોગ્યનો લાભ મળે, શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા જે માળખું ગોઠવાયેલું છે તે તેમજ વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે તમામ પ્રયત્નો કરીને જનસુખાકારી તરફ આગળ વધીશું.દરેક નાના બાળક સુધી બાળશક્તિ સહિતની પોષણ સહાય મળી રહે તે જરૂરી છે. સરકારની દરેક યોજનાનો એક હેતુ હોય છે, માતૃશક્તિનું પેકેટ માતા અને બાળકને પોષણ પૂરું પાડે છે. બાળશક્તિ,પૂર્ણાંશક્તિ અને માતૃશક્તિ કુપોષણ નાબુદી માટે આવશ્યક છે. કિશોરીઓ,ધાત્રીમાતાઓ ને તમામ પ્રકારની સહાય અને પોષણ મળી રહે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.વધુમાં પ્રાકૃતિક ખેતી,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કુંવરબાઈનું મામેરું, પાલક માતાપિતા યોજના, દિવ્યાંગ યોજના અંગે વિસ્તૃત માહિતી અને આ યોજનાનો લાભ કોણ અને કેવી રીતે મેળવી શકે અને તે માટે ક્યા ડોક્યુમેન્ટની જરૂર રહે છે તે અંગે જાણકારી પીરસવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ વિભાગોમાંથી ઉપસ્થિત અધિકારીઓ એ સરકારની ચાલતી વિવિધ યોજનાઓ અને તેના લાભ વિશે ગામલોકોને માહિતી આપી હતી.હાલોલ પ્રાંત અધિકારી દ્વારા ગ્રામલોકોને ખાત્રી આપી હતી કે તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન અને નિકાલ કરવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ રાત્રી સભામાં પ્રાંત અધિકારી હાલોલ, મામલતદાર,આયોજન અધિકારી સહિત સબંધીત જિલ્લાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તથા ગામલોકો હાજર રહ્યા હતા.










