GUJARATHALOLPANCHMAHAL

પંચમહાલ જિલ્લા કલેકટર એ હેરિટેજ વૉકને પીળીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું, વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા હેરિટેજ વૉકમાં કલેકટર સહિત અધિકારીઓ પણ જોડાયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૨.૧૨.૨૦૨૩

આજરોજ પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના હસ્તે વર્લ્ડ હેરિટેજ સાઈટ,”એક મિનાર કી મસ્જિદથી” હેરિટેજ વૉકને પીળીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.આજે પ્રથમ દિવસે પંચમહાલ જિલ્લાના ૨૦૦થી વધુ શાળાના વિદ્યાર્થીઓ હેરિટેજ વૉકમાં જોડાયા હતા.આ હેરિટેજ વૉકમાં કુલ ૧૦ અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સ્મારકો ખાતે વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કલેક્ટર સહિત વિવિધ અધિકારીઓ પણ જોડાયા હતા તથા ઉપસ્થિતોને આ સ્મારકો અને તેના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી.એક મિનાર મસ્જિદથી લઈને વડા તળાવ-ટેન્ટ સિટી સુધી કુલ ૧૦ સ્થળો ખાતે અંદાજે ૬ કિલોમીટરની રેન્જમાં હેલિકેલ વાવ,સકર ખાનની દરગાહ,સિટી ગેટ,શહેર કી મસ્જિદ,ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઈટ,જામી મસ્જિદ,ચાંપાનેર,કમાની મસ્જિદ,કબૂતર ખાના પેવેલિયન સહિતના ઐતિહાસિક સ્થળો ખાતે હેરિટેજ વૉકનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે.ગાઈડની મદદથી પ્રવાસીઓને તમામ સ્મારકો અંગે અને સાંસ્કૃતિક વારસા અંગે માહિતી આપવામાં આવી હતી.દરરોજ લોકો આ હેરિટેજ વૉકમાં જોડાવાના છે અને ગુજરાતની પ્રવાસન અને અણમોલ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના છે.હેરિટેજ વૉક પહેલા જિલ્લા કલેકટર એ ઉપસ્થિતોને ઐતિહાસિક સ્મારકો અને તેના મહત્વ વિશે જાણકારી આપી હતી.તેમણે ચાંપાનેરના ઇતિહાસ વિશે વાત કરી હતી તથા ગુજરાતની પ્રથમ એવી વર્લ્ડ હેરિટેજનો દરજ્જો ધરાવતી સાઈટ ચાંપાનેર ખાતે ૧૧૪ જેટલા અલગ અલગ સ્મારકોના ઇતિહાસને ઉજાગર કરવાના સરકારના પ્રયત્નો થકી પંચમહોત્સવ અંગે જાણકારી આપી હતી.આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલી ભરપૂર શક્યતાઓને જોતા, યોગ્ય પ્રચાર-પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તે હેતુસર વર્ષ ૨૦૧૫થી પ્રતિવર્ષ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ચાલુ વર્ષે ૨૫ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન ઐતિહાસિક પ્રવાસન મથક અને “વર્લ્ડ હેરિટેજ સાઇટ”પાવાગઢ -ચાંપાનેર સ્થિત હાલોલના વડા તળાવ ખાતે પંચમહોત્સવના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આ હેરિટેજ વૉકમાં હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી,નાયબ માહિતી નિયામક પારૂલ મણિયાર,જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ,હાલોલ મામલતદાર બી.એમ.જોશી સહિત વિવિધ અધિકારીઓ/કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button