સ્માર્ટ મિટરો ની સામે રાજ્યમાં ભારે વિરોધ,પંચમહાલ આમ આદમી પાર્ટી દ્વારા સરકારમાં રજૂઆત
ખરેખર લોક કલ્યાણ ની ભાવના વાળી અને સંવેદનશીલ સરકાર હોય તો કોઈ પણ યોજના અમલમાં મુકતાં પહેલાં જનમત જાણે: દિનેશ બારીયા
તારીખ ૨૧/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
લોકશાહીમાં સરકારનું કામ લોક કલ્યાણને કેન્દ્ર બિંદુ માં રાખીને કરવાનું હોય છે. આધુનિકતા, ટેકનોલોજી કે પશ્ચિમના દેશોના અનુકરણ કરીને નહીં. દેશના નાગરિકોની સ્થિતિ અને તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ નવી કે સુધારા જનક યોજના અમલમાં મુકવી જોઈએ. ગમે તેટલી મોટી કે સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર કેમ ના હોય પરંતુ તેને લોક કલ્યાણ ને ધ્યાનમાં રાખીને તથા જનમત સંગ્રહ કરીને યોજના બનાવવી જોઈએ પરંતુ રાજ્યમાં હાલની ભાજપ સરકાર ઘમંડ માં આવી એક તરફી નિર્ણયો લઇ રહી હોવાનું જણાય છે તેવું પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે અને સાથે સાથે કહ્યું છે કે, ગુજરાત વીજકંપની દ્વારા હાલમાં વીજ કનેકશનના મિટરો બદલવામાં આવી રહ્યા છે. ચાલું ડિજિટલ મિટરોને કાઢી નાખીને નવા સ્માર્ટ મિટરો બેસાડવામાં આવે છે તેની સામે રાજ્યના લોકોનો ભારે વિરોધ જોવા મળે છે તેનું કારણ જાણવા મળ્યાં મુજબ સ્માર્ટ મિટરો માં વપરાશ કરાતી વિજળી કરતાં વધારે યુનિટ વપરાશ બતાવે છે અને વધારે રુપિયા ખર્ચાય છે સાથે સાથે પહેલાં રીચાર્જ કરીને વિજળી વાપરવાની પદ્ધતિ સામે લોકોની નારાજગી ઉભી થઇ છે ત્યારે સરકારે લોકોની માનસિક અને આર્થિક સ્થિતિ સમજવી જોઈએ. બળ જબરીથી સ્માર્ટ મિટરો બેસાડીને લોકોને પરેશાન ના કરવા જોઈએ. લોકોની વેદના અને માંગણીને ધ્યાનમાં રાખીને હાલ પુરતી આ યોજના બંધ કરવી જોઈએ તથા જ્યાં આવા સ્માર્ટ મિટરો લગાવ્યા છે તે કાઢી નાખવા જોઈએ અને જુના મિટરો ફરીથી લગાડી આપવા જોઈએ તેવી માંગણી સાથેની રજૂઆત “આપ”ના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ગુજરાત સરકારમાં કરી છે. લેખિત રજૂઆતમાં વધુ કહ્યું છે કે, હાલ આવા સ્માર્ટ મિટરો રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં, ઔધોગિક એકમોમાં તેમજ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓના ઘરે લગાવવા જોઈએ. સામાન્ય નાગરિકોનો વિજળી વપરાશ પણ સામાન્ય હોય છે તેઓના કારણે વિજ કંપનીઓને નુકસાન થતું નથી તેથી આમ જનતાને પરેશાન કરવાનું બંધ કરવું જોઈએ જો તેમ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ગુજરાતમાં સરકાર સામે ભારે સંઘર્ષ થશે તેવી રજૂઆત સાથે એક મુદ્દો એ પણ ઉઠાવ્યો છે કે લોકોની ચિંતા કે સ્વિકૃતિનો વિચાર કર્યા વગર સરકારે જ્યારે જ્યારે નવી યોજનાઓ મુકી, થોપી બેસાડી ત્યારે લોકોએ સરકાર સામે વિરોધ કર્યો છે, સંઘર્ષ કર્યો છે અને તેમાં કેટલાય નાગરિકોએ જીવ ગુમાવ્યા ના આંકડા છે ત્યારે આ યોજના, નિર્ણય સામે પણ લોકોની નારાજગી ઉભી થઇ છે ત્યારે ભવિષ્યમાં કોઈ આવી ઘટના ના બને, કોઈ નો જીવ ના જાય તેનું ધ્યાન પણ સરકારે રાખવું જોઈએ એવી ધારદાર રજૂઆત કરવામાં આવી છે.