જેતપુર પાવી તાલુકાના કાવરા ગામે નલ સે જલ યોજનાના ધજાગરા : પાઇપ લાઇન તૂટી જતાં પાણીનો કકળાટ

એક મહિનાથી પાણીનો બગાડ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
_________________________
જેતપુર પાવી તાલુકાનાં કાવરા ગામે સરકારની હર ઘર નલ અને નલ સે જલ યોજનાના ધજાગરા ઊડી રહ્યા છે. ગામમાં પીવાના પાણીની મોટી સમસ્યાને લઈ ગ્રામજનો પરેશાન છે. કેટલાક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે તો કેટલાક વિસ્તારમાં પૂરતા દબાણથી પાણી મળતું ન હોય ગ્રામજનોની હાલત કફોડી થઈ ગઈ છે. અનેક રજૂઆતો છતાં ગ્રામપંચાયત દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય ગ્રજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કાવરા ગામના માળીયા ફળિયામાં છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપ લાઇન તૂટી ગયા બાદ મોટો ભૂવો પડી ગયો છે. જેને કારણે પાણી પાઇપલાઇનમાંથી લીકેજ થઈને રસ્તા પર વહી રહ્યું છે. રસ્તા પર જ મોટો ખાડો હોય અકસ્માતની પણ સંભાવના સેવાઇ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજૂઆત છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. પાઇપલાઇન તૂટી ગઈ હોય ગંદુ પાણી પણ પાઇપમાં ભળી જવાની સંભાવના સેવાઇ રહી છે. જેનાથી રોગચાળો ફેલાવવાની પણ શક્યતા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.ગામના અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
છેલ્લા એક મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી હોવાથી પણ થઈ રહી છે. કાવરા ગામના માળીયા ફળિયામાં ૧૦૦ જેટલા ઘરો આવેલા છે.ત્યારે ઉલ્લેખનીય છે કે રાવતીયા ફળિયા અને નાયકા ફળિયામા પાઇપ લાઇન લીકેજ હોવાના કારણે પાણી પહોંચી રહ્યું નથી. પાઇપલાઇન તૂટેલી હોવાથી ટીપું ટીપું પાણી આવતું હોય મહિલાઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









