
પ્રેમસ્વરૂપ સ્વામીની સેવાને હરિપ્રસાદ
સ્વામીજી ભગવાનની સેવા ગણાવતા
સ્વામિનારાયણ પરંપરાના સંતોની ઉપસ્થિતિ
દેશવિદેશના એક લાખથી વધુ યુવાનો ભાગ લેશે
પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ
તા.26/12/2023
૨૭ ડીસેમ્બરે સાંજે ૭.૦૦થી ‘આત્મીય યુવા પર્વ’ નો મુખ્ય સમારોહ
હરિધામ સોખડાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી અને ભગવાન શ્રી સ્વામિનારાયણની કલ્યાણ પરંપરાના વર્તમાન જ્યોતિર્ધર પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજના ૭૯મા પ્રાગટ્ય પર્વની ભક્તિભાવસભર ઉજવણી હરિધામ-સોખડા ખાતે કરવામાં આવનાર છે. ૨૭ ડીસેમ્બર, રવિવારે ‘આત્મીય યુવા પર્વ’ તરીકે આ ભવ્ય ઉત્સવની ઉજવણી થશે.
આત્મીય યુવા પર્વની ઉજવણી અંગે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું છે કે, બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પોતાના ગુરુના પગલે ચાલીને ‘યુવકો મારૂં સર્વસ્વ છે!’ કહીને જીવંત ચૈતન્ય મંદિરોના નિર્માણના યજ્ઞને પોતાનું યુગકાર્ય બનાવ્યું. ‘સંપ, સુહ્રદભાવ, એકતા’ના ગુરુમંત્રમાં આત્મીયતા અને દાસત્વ જોડીને હરિપ્રસાદ સ્વામીજીએ સામાજિક તાણાવાણાને આધ્યાત્મિક રીતે મજબૂતી અર્પી.
આત્મીય સમાજ દ્વારા કોઇપણ ઉત્સવ ઉજવવાનું આયોજન થાય ત્યારે સ્વામીજીની ભાવના એક જ રહેતી કે ઉત્સવના કેન્દ્રમાં યુવાનો હોવા જોઈએં. કારણકે સ્વામીજી માનતા કે, ‘જો યુવાનો બચશે તો દેશ બચશે. સંસ્કૃતિના સંસ્કારો બચશે. ભારતને તેની આર્થિક સધ્ધરતા નહીં; પવિત્ર, પ્રમાણિક, આત્મીય અને વિવેકી યુવાનો પુન: પરમ વૈભવના શિખરે પહોંચાડશે. એટલા માટે જ જીવનના આઠમા દાયકા સુધી પણ યુવાનો જેવી સ્ફૂર્તિ અને અભિગમથી સતત સેવારત રહ્યા હતા. તેઓશ્રીના આધ્યાત્મિક અનુગામી પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજે એ જ પરંપરા જાળવી રાખી છે. પ્રતિવર્ષ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્યદિનને અનુલક્ષીને ઉજવાતો આ ઉત્સવ પ્રથમવાર તેઓશ્રીના આધ્યાત્મિક અનુગામી પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજના પ્રાગટ્યદિને ઉજવાશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીજી પ્રતિવર્ષ ૨૭ ડીસેમ્બરે પ્રેમસ્વરૂપ સ્વામીજીનો પ્રાગટ્યદિન નિમિત્તે વિશેષ આયોજનો કરાવતા. સત્સંગ સમાજમાં કોઈ શુભકાર્ય કરવાંનું હોય તો તેને માટે ૨૭ ડીસેમ્બર હરિપ્રસાદ સ્વામીજીની પ્રથમ પસંદગી રહેતી. હરિધામ મંદિરના ખાતમુહૂર્ત માટે પણ હરિપ્રસાદ સ્વામીજીએ ૨૭ ડીસેમ્બરનો દિવસ પસંદ કરેલો. હરિપ્રસાદ સ્વામીજીએ જીવનની પ્રત્યેક પળને ગુરુભક્તિનો અર્ઘ્ય અર્પણ કરવામાં જ વિતાવી હતી તેવી જ રીતે પ્રેમસ્વરૂપ સ્વામીજી પૂર્વાશ્રમથી જ હરિપ્રસાદ સ્વામીજીનાં યુગકાર્યમાં નિમિત્ત બનતા રહ્યા છે.
ઇ. સ. ૧૯૬૫માં હરિપ્રસાદ સ્વામીજીની સાથે જ યોગીજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરનાર પ્રેમસ્વરૂપ સ્વામીજીના પ્રાગટ્ય દિને એકવાર હરિપ્રસાદ સ્વામીજીએ ગુણાનુવાદ કરતાં કહેલું, “ભગવાન સ્વામિનારાયણના પ્રિય સાધુનો આજે જન્મદિન. એક નિષ્કામ પુરુષ, એક પવિત્ર પુરુષનો જન્મદિન. જેની સેવા એ ભગવાનની સેવા – એવા સાધુનો જન્મદિન! જેનાં દર્શને પ્રભુનાં દર્શન એવા સાધુનો જન્મદિન! વણ સંભારે સાંભરે એવા સાધુનો જન્મદિન!”
હરિપ્રસાદ સ્વામીજીનાં વચને સેવા કરવામાં પ્રેમસ્વરૂપ સ્વામીજીએ ક્યારેય ભૂખ-તરસ, ટાઢ-તડકો, રાત-દિવસ, ઠંડી-ગરમી એવાં કોઈપણ પરિબળો પર ધ્યાન આપ્યું જ નથી. અત્યાર સુધી હરિધામ સોખડા દ્વારા ઉજવાયેલા આત્મીય યુવા પર્વો, મહોત્સવો, આધ્યાત્મિક શિબિરો વગેરેનાં આયોજનમાં પ્રેમસ્વરૂપ સ્વામીજી તમામ સેવાકાર્યોનાં સુકાની અને સારથિ રહ્યા છે.
પ્રેમસ્વરૂપ સ્વામીજી પોતાની સામે આવેલ દરેક વ્યક્તિ પ્રભુનું સ્વરૂપ છે એવા ભાવથી સ્વીકારે છે. પોતે કાયમ આદર્શ જીવન જીવીને વર્તન દ્વારા અન્યને માટે આદર્શનું નિર્માણ કર્યું છે. જીવનની પ્રત્યેક પળને પ્રભુવાસિત બનાવી છે. થાકેલા-હારેલા-નિરાશ લોકોનાં જીવનમાં હરિપ્રસાદ સ્વામીજીની માફક પ્રેમસ્વરૂપ સ્વામીજી આશા-ઉત્સાહ અને આનંદનો સંચાર કરી રહ્યા છે.
યુધ્ધની શરૂઆત માણસનાં મનમાં થાય છે. આ મન જ શાંત-પ્રશાંત થઇ જાય તો? એવું શક્ય છે ખરૂં ? આ પ્રશ્નનો જવાબ છે- હા! હરિપ્રસાદ સ્વામીજીએ માનવ મનનાં પડળોને ઉકેલ્યાં અને તેને સન્માર્ગે વાળવા માટે સંસ્કાર કેન્દ્રો, સત્સંગ સભાઓ, વિદ્યાધામો વગેરે ઉપાયો અજમાવ્યા. આ ઉપાયોથી વિશ્વભરના લાખો યુવાનોનાં જીવનનું પરિવર્તન થયું છે. નવી પેઢી પણ પોતાની ભૂલનો નિખાલસતાથી સ્વીકાર કરીને માફી માંગતાં શીખી છે. રાજકોટ, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, અવિધા અને વલ્લભવિદ્યાનગર ખાતે શિક્ષણ અને સંસ્કારના સમન્વયરૂપ વિદ્યાતીર્થો નિર્માણ પામ્યાં છે. આજે પ્રેમસ્વરૂપ સ્વામીજી આ આત્મીય યાત્રાને આગળ વધારી રહ્યા છે.
તા. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રદેવની મૂર્તિપ્રતિષ્ઠાનો ભવ્ય-દિવ્ય ઉત્સવ યોજાઇ રહ્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામીજી આ ઉત્સવને દિવાળીની સાચી ઉજવણી તરીકે વર્ણવી રહ્યા છે ત્યારે આત્મીય યુવા પર્વમાં ભાગ લેનાર સહુ ભાવિકો પોતપોતાનાં ઘર, પરિવારો અને સમાજોમાં આ દિવસે ભક્તિભાવસભર ઉજવણી કરે તે માટે સહુને આહવાન કરવામાં આવશે.
આત્મીય યુવા પર્વમાં અનુપમ મિશનના અધિષ્ઠાતા સંતભગવંત જસભાઈ સાહેબજી, દિલ્હીના પૂજ્ય મુકુંદજીવન સ્વામી, શિકાગોના પૂજ્ય દિનકરભાઈ, પવાઇના ભરતભાઇ સહિતના આધ્યાત્મિક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. દેશવિદેશથી એકલાખથી વધુ યુવાનો-ભાવિકો ભાગ લેવાના છે.
હરિધામ સોખડા ખાતે ઉજવાનાર આત્મીય યુવા પર્વની લગભગ બે માસથી જોરદાર તૈયારી ચાલી રહી છે. સંતવલ્લભ સ્વામી, જ્ઞાનસ્વરૂપ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, માધવજીવન સ્વામી, સરલજીવન સ્વામી, હરિસૌરભ સ્વામી વગેરેના માર્ગદર્શનમાં સ્વયંસેવકો સેવારત રહ્યા છે.
આત્મીય સમાજ વતી ત્યાગવલ્લભ સ્વામીએ સમગ્ર ગુજરાતની ભાવિક જનતાને તા. ૨૭ ડીસેમ્બરે આત્મીય યુવા પર્વમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. આ મહોત્સવનું શ્રી હરિ આશ્રમની યુ-ટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ થવાનું છે.