
તા.૧૧/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગ્રામસેવકો-વિસ્તરણ અધિકારીઓને તજજ્ઞો – કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન અપાયું
Rajkot: ગુજરાત રાજ્યને આગામી પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક કૃષિયુકત રાજ્ય બનાવવા રાજ્ય સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિને વેગ આપવા ખેડૂતો તેમજ વિસ્તરણ કાર્યકરોને તાલીમ અપાઈ રહી છે. જે અંતર્ગત આત્મા પ્રોજેક્ટ-રાજકોટ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડિયા ખાતે ગતરોજ એક દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એચ.ડી.વાદી, કૃષિ વિ જ્ઞાન કેન્દ્ર-તરઘડિયાના વડા ડૉ. જી. વી. મારવીયા, સુકી ખેતી સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. ડી. એસ. હીરપરા, કૃષિ વૈજ્ઞાનિકો ડૉ. જે. એચ. ચૌધરી, ડૉ. જે. એન. ઠાકર, આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મેહુલ નસિત તેમજ રાજકોટ જિલ્લાના ૪૦ જેટલા ગ્રામ સેવકો અને વિસ્તરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલીમ કાર્યક્રમની શરૂઆતમાં શ્રી એચ. ડી. વાદી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને તાલીમની અગત્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે ડૉ. ડી. એસ. હીરપરા દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે ડૉ. જે. એચ. ચૌધરી દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ બીજામૃત અને જીવામૃત બનાવવાની પદ્ધતિનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. ડૉ. જે. એન. ઠાકર દ્વારા પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાતના નિયંત્રણ અંગે માહિતી આપવામાં આવી હતી. જ્યારે ડૉ. જી. વી.મારવીયા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં પોષણ વ્યવસ્થાપન વિશે માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતે પ્રશ્નોતરીના માધ્યમથી વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી અને શંકાનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર તાલીમના સુચારૂ આયોજન માટે શ્રી અરવિંદભાઈ બેરાણી અને કુ.પાયલબેન ટાંકનો સહયોગ મળ્યો હતો.








