વર્ષ-૨૦૨૩ની થીમ“હેરીટેજ ચેન્જીસ”ની થીમને યોગ્ય પ્રતિસાદ આપતા જિલ્લા વહીવટી તંત્રનો ભરૂચની આગવી ઓળખ એવી દુર્લભ કળા ″સુજની″ને બચાવવા માટેનો રોશની પ્રોજેક્ટ

વર્ષ-૨૦૨૩ની થીમ“હેરીટેજ ચેન્જીસ”ની થીમને યોગ્ય પ્રતિસાદ આપતા જિલ્લા વહીવટી તંત્રનો ભરૂચની આગવી ઓળખ એવી દુર્લભ કળા ″સુજની″ને બચાવવા માટેનો રોશની પ્રોજેક્ટ
—–
*ભૂતકાળમાં દરિયાપારના દેશોએ કરેલ સુજની ભરેલ કન્ટેનરની માંગને પહોંચી વળવા પ્રોજેક્ટ રોશની અમલમાં મુકાયો: જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા*
—–
*ગુજરાતમાં સુજની વણાટનું એકમાત્ર સ્થળ ભરૂચને માનવામાં છે…*
—–
*-ખાસ લેખ: વિશાલ કડિયા*
ભરૂચ: મંગળવાર:વિશ્વ વારસા દિવસ ( World Heritage Day ) એ એક મહત્વપૂર્ણ દિવસ છે.જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે.તે એક રિમાઈન્ડર છે કે સાંસ્કૃતિક વારસો એ માત્ર ભૂતકાળની વસ્તુ નથી, પરંતુ કંઈક જે આજે પણ સુસંગત છે અને ભવિષ્યને આકાર આપવાનું પણ ચાલુ રાખશે.સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે મનાવવામાં આવે છે.
*વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર…*
વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર 1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ICOMOS) દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને બાદમાં ૧૯૮૩માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. તારીખ, ૧૮મી એપ્રિલ, તે દિવસની યાદમાં પસંદ કરવામાં આવી હતી જ્યારે સંમેલન વિશ્વ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સંરક્ષણ અંગે યુનેસ્કો દ્વારા ૧૯૮૨માં અપનાવવામાં આવ્યું હતું.
*મુખ્ય ઉદ્દેશ્ય…*
વિશ્વ ધરોહર દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સાંસ્કૃતિક વારસો, જેમ કે ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોને સાચવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસનો હેતુ લોકોને વિશ્વના વારસાની વિવિધતાની કદર કરવા અને આ સ્થળોની જાળવણી અને સંરક્ષણમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો પણ છે.
*આ વર્ષની થીમ“હેરીટેજ ચેન્જીસ”…*
દર વર્ષે, સાંસ્કૃતિક વારસાના ચોક્કસ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિશ્વ હેરિટેજ દિવસ માટે થીમ પસંદ કરવામાં આવે છે. આ વર્ષની-૨૦૨૩ની થીમ “હેરીટેજ ચેન્જીસ” છે.
*આ વર્ષની થીમ“હેરીટેજ ચેન્જીસ”ની થીમને યોગ્ય પ્રતિસાદ આપતા જિલ્લા વહીવટી તંત્રનો ભરૂચની આગવી ઓળખ એવી દુર્લભ કળા ″સુજની″ને બચાવવા માટેનો રોશની પ્રોજેક્ટ…*
એક સમયે ભારતના લોકો પાસે કળાનો ખજાનો હતો, અત્યારે પણ છે પરંતુ તેમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે. સુજની પણ ભરુચની એવી દુર્લભ કળા છે જે હવે લુપ્તતાને આરે છે. ભરુચમાં માત્ર એક જ પરિવાર બચ્યો છે. જે આ પરંપરાગત સુજનીની રજાઈ બનાવી રહ્યો છે.
*ગુજરાતમાં સુજની વણાટનું એકમાત્ર સ્થળ ભરૂચને માનવામાં છે…*
*જાણીએ ૨૦૦ વર્ષથી પણ જૂની કળા વિશે…*
‘સુજની’ શબ્દ ફારસી ‘સોઝની’ એટલે કે સોય પરથી આવ્યો હોવાનું કહેવાય છે.
સુજનીનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે.એવું માનવામાં આવે છે કે, ૧૮૬૦ના દાયકમાં ભરૂચના એક વતનીએ આંદામાન જેલમાં એક સાથી આસામી ગુનેગાર પાસેથી આ હસ્તકલા શીખી હતી અને પાછા આવીને અન્ય ગ્રામજનોને શીખવ્યું હતું. એક ટાંકો લીધા વિના બનતી ચાદરને સુજની કહે છે. ઋતુ પ્રમાણે ઢળતી સુજની બનાવવાની કળાને એક પરિવારે ૨૦ કારીગરો થકી ટકાવી રાખી છે. જોકે, હવે કારીગરો પણ વ્યવસાયને અલવિદા કહી રહ્યા છે. જેથી આ કળા હવે લુપ્ત થવાના આરે છે.
આ લુપ્ત થતી કળાને જિલ્લા વહીવટી તંત્રની સી એસ આર પહેલ ″રોશની પ્રોજેક્ટ″ દ્વારા કળાને જીવંત રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દેશ-વિદેશમાં ભરુચની સુજનીની રજાઈ ખૂબ મોટા પ્રમાણમાં માંગ હોવાથી એકસાથે ૧૦૦ હાથશાળ (લૂમ્સ) ચાલતી હતી. જ્યારે સુજની આર્ટ પ્રસિદ્ધ હતું ત્યારે લગ્નમાં વર-વધૂની ખુરશી પર સુજનીની રજાઈ જ બિછાવવામાં આવતી હતી અને લગ્ન બાદ કન્યાને આપવામાં આવતી હતી. ૨૫ વર્ષ પહેલાં સુજની રજાઈની કિંમત રૂ.300થી રૂ.૪00 હતી, જ્યારે આજે સિંગલ રજાઈની કિંમત રૂ.૨૨૦૦ થી ૨૫૦૦ જેટલી છે.
*સુજની રજાઈની ખાસિયત…*
ફક્ત કોટન કાપડ પર બનતી સુજની રજાઈ અન્ય રજાઈ કરતા ઘણી અલગ છે. સુજની રજાઈ જ્યારે એક વખત લૂમ પર ચઢે એટલે બે કારીગર તેણે પૂર્ણ રીતે તૈયાર કરીને જ બહાર કાઢે છે. જ્યારે અન્ય રજાઈ લૂમમાંથી નીકળે એટલે સિલાઈકામ માટે મશીન પર ચઢાવામાં આવે છે. સુજાનીએ ડબલ વણાટના કાપડ છે. જેમાં વણાટની પ્રક્રિયા દરમિયાન બે સ્તરો વચ્ચે કપાસ ભરવામાં આવે છે. આ શ્રમ-સઘન કાર્ય માટે બે અથવા ત્રણ કારીગરોને એક સુજની બનાવવા માટે ૧-૨ દિવસ લાગે છે.
વિવિંગ સ્ટૂલ સેટ કરવામાં એક મહિનાથી વધુ સમય લાગે છે, પરંતુ પછી વણકર લગભગ ૧૦૦ રજાઇ બનાવી શકે છે. તે એક અલભ્ય હસ્તકલા છે. સુજની ૧૬ ફૂટ લાંબી અને ૧૦ ફૂટ પહોળી હોય છે. અને તે વોશૅબલ રૂ બનાવાય છે.
*સુજની બાર પ્રકારની બનાવાય છે*
સૂજની પરિવાર દ્વારા બનાવવામાં આવતી અલગ અલગ પ્રકારની બાર સૂજનીઓ: કોટન, મસરાઇઝ કોટન, પોલિસ્ટર કોટન, વુલન, કિંગ સાઈઝ, સુપર ફેન્સી, કોટન સિલ્ક, સિલ્ક, રીવર્સીબલ, સુપર ફેન્સી, ફેન્સી, કોટન વુલન, કોટન વુલન રેસમ નો સમાવેશ થાય છે.
*રોશની પ્રોજેક્ટ સાથે સંકળાયેલ વ્યક્તિઓ તથા સુજની બનાવતા પરિવારના સભ્યોના સાથેનો વાર્તાલાપ…*
*સુજની બનાવવાવાળા કારીગર શ્રી મુઝક્કિર સુજનીવાલા જણાવે છે કે સુજનીવાળા ફેમિલી ૨૦૦ થી ૩૦૦ માણસની ફેમિલી છે. જે બધા જ સુજનીવાળા નામથી સુજની બનાવવાના કામથી જ ઓળખતા હતા. જે ઘરના જ સદસ્યો થઈને સુજની બનાવવાનું કામ કરતા હતા. પરંતુ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ નવી પ્રોડક્ટ આવતી ગઈ તથા મજૂરી ઓછી થતી ગઈ. ઉત્પાદન ખર્ચ વધતો ગયો. કુટુંબ મોટું થવાને કારણે ઘરમાં પણ એકસૂત્રતા જળવાઈ નહી.સામે અન્ય રોજગાર મળતા ગયા જેને લીધે આ કળા લુપ્ત થતી ગઈ. આજની તારીખમાં ફક્ત બે ફેમિલી સુજની બનાવી રહ્યા છે.
*રાજ્ય સરકાર કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સુજની બનાવતા પરિવારને કોઈ સહાય આપવામાં આવી છે?*
આના પ્રતિઉત્તરમાં શ્રી મુઝક્કિર સુજનીવાલા ગર્વથી જણાવે છે કે…
અમારા વડીલોએ ઘણા પ્રયત્નો કર્યા છે, પણ કંઈ થયું નહોતું. હમણાં બે જ પરિવાર આ કામમાં હોવાથી સહાય માટે જે દોડવું પડ્યું એ ના દોડી શકાયું અને એના લીધે જે ઓળખાણ અમને મળવી જોઈતી હતી એ પણ ના મળી. ઘણું કહેવા બાદ એમ કહેવામાં આવ્યું કે, તમે કો-ઓપરેટિવ સોસાયટી બનાવો ત્યાર બાદ તમે સરકારી સહાય માટે કહી શકો છો, પછી તમને એક પ્લેટફોર્મ મળશે.
આ ઇનર વ્હીલ ક્લબના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રોશની પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવ્યો. જે એક કો-ઓપરેટિવ સોસાયટી બનાવી છે. એના માધ્યમથી હવે કુટુંબને અને કારીગરોને લાભ મળશે તથા વડીલોપાર્જિત રોજગારમાં જે ફરી પાછા આવવા માંગે છે તે આવી શકશે. અહી તાલીમ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે અને લુમ બનાવવામાં આવ્યા છે. હવે એમને આશા છે કે સરકારશ્રી તરફથી ચાલતી વિવિધ આર્થિક સહાયને લગતી યોજનાઓનો લાભ પણ એમને મળશે.
*″રોશની પ્રોજેક્ટ″ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુજનીને જીવંત રાખવા થયેલા પ્રયત્નોનો પ્રતિસાદ….*
*આ છેલ્લો મોકો હતો અને જો આ વખતે આ મોકો ન મળતો તો ચોક્કસ આ કળા લુપ્ત થઈ જાત…*આ શબ્દો છે શ્રીમતી પિલું જીનવાલાના.તેમણે “સુજની રેવા સેન્ટર” કે જ્યાં સુજની માટે તાલીમ શાખાની શરૂઆત કરવામાં આવી. શ્રીમતી જીનવાલાએ ભરૂચની આગવી ઓળખને બચાવવા માટે તે સ્થાન અર્પણ કર્યું કે જ્યાં જીજીભાઈ દાદાભાઈ જરદોશની નિશાળ એ તેમની પહેલી નર્સરી સ્કૂલ હતી. આ મકાન તેમણે પોતે રિપેર અને પેઇન્ટ પણ કરી આપ્યું અને આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે.
તેમણે આ સેન્ટર ખોલવાનો વિચારને અનુમોદન આપતાં જણાવ્યું કે, ″મને ખૂબ આનંદ થયો કે ભરૂચની સુજની જે વર્ષોથી વખણાયેલી છે અને એને જો ઉત્તેજન મળે તો નવી પેઢી આ કળા શીખે અને એમાં આગળ વધે…આ છેલ્લો મોકો હતો અને જો આ વખતે આ મોકો ન મળતો તો ચોક્કસ આ કળા લુપ્ત થઈ જાત… આવા ભગીરથ કાર્યમાં હું સહભાગી બની તેનો મને ખૂબ જ આનંદ છે″.
*રોશની પ્રોજેક્ટ શું છે અને તે કંઈ રીતે શરૂ થયો?*
*જિલ્લા કેલક્ટર શ્રી તુષાર સુમેરાએ આ વિશે જણાવ્યું કે, ભૂતકાળમાં દરિયાપારના દેશોએ સુજનીના કન્ટેનરનો માંગ આવી હતી.પરંતુ તે માંગ પૂરી કરવાં સુજનીવાલા પરિવાર માટે અશક્ય હતો.તે અશક્ય ને શક્યમાં ફેરવવા રોશની પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે*
આ ઉપરાંત કો-ઓપ્રેટીવ સોસાયટીના પ્રમુખ શ્રીમતી રિઝવાના ઝમીનદાર જણાવે છે કે રોશની પ્રોજેક્ટના પેપર વર્કથી લઈને કોપરેટીવ ફોર્મ કરવું, સી.એસ.આર પ્રોજેક્ટ અંતર્ગત ફન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. આખા પ્રોજેક્ટમાં ગાઇડન્સ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા અને અન્ય ટીમ ભરૂચના સહયોગથી આ કો ઓપ્રેટીવ સોસાયટી માત્ર ૨૫ દિવસમાં રજીસ્ટર કરી શક્યા છીએ. એના માટે એમને જે ફન્ડની જરૂર છે તેના માટે જિલ્લા વહીવટી તંત્ર અમારી પડખે છે.
વધુમાં તેઓ ઉમેરતાં જણાવે છે કે રોશની પ્રોજેક્ટ એ સુજનીને લાગતું છે અને જિલ્લા વહીવટી તંત્રએ એટલા માટે લીધું છે કારણ કે સુજનીની જે લુપ્ત થતી કલા છે. ૨૦૦ વર્ષ જૂની કલા ખતમ થવાના આરે છે. કારણ કે આવનારી પેઢીને તેમાં રસ નથી અને તેનું કોઈ વેચાણ નથી. તેથી જિલ્લા વહીવટીતંત્રએ આ પ્રોજેક્ટ આખા ભારત અને ભારતની બહાર ફેલાવવાનો નિર્ણય લીધો છે. સૌથી પહેલું પગલું કો ઓપરેટીવ સુજની પરિવાર જોડે ભેગા થઈને બનાવવાનું હતું. જે અમે અમુક લોકોએ થઈને અહીંના જે નાગરિકો આ કળાને આગળ ધપાવવામાં રસ ધરાવે છે. તેમણે ભેગા થઈને આ સોસાયટી બનાવી છે. જિલ્લા વહીવટીતંત્રની મદદથી આ સોસાયટી વડે અમે આ કલાને આગળ વધારીશું.આ સેન્ટરમાં અમે ટ્રેનિંગ આપીશું, પ્રોડક્શન કરીશું એને વર્લ્ડવાઈડ એનું માર્કેટિંગ પણ કરીશું.
*રોશની પ્રોજેકટ અંર્તગત આ નવા આયામો આવરી લેવાશે*
• યુવા પેઢીને સુજની વણાટકામની તાલીમ આપીને તેમને આર્થીક રીતે પગભર કરવાનો આશય.
• સુજનીના વ્યવસાય સાથે સંકળાયેલ પાયાની સમસ્યાઓને ઓળખીને તેને દુર કરવાનો સ્તુત્ય પ્રયાસ.
• સુજની બનાવાથી લઈને વેચવાની પ્રક્રીયા સાથે સંકળાયેલ પરિબળોમાં સહાય કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો સરહાનિય પ્રયત્ન છે.
વાત્સ્યમ સમાચાર
રિપોર્ટર મહેન્દ્ર મોરે ભરૂચ