NAVSARI

નવસારી: પ્રાકૃતિક ખેતી અપનાવી પપૈયાનાં પાકોમાં આવક બમણી કરતા ખેડૂત નારણભાઇ ગાયકવાડ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

બાગાયત અને આત્મા પ્રોજેક્ટ કચેરીનાં માર્ગદર્શન હેઠળ સફળ પ્રાકૃતિક ખેતી કરી નફો વધાર્યો
નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકાના પાણીખડક ગામનાં પ્રગતિશીલ ખેડૂત નારાયણરાવ  ચીમનલાલ ગાયકવાડ  પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાની આવકમાં મોટો વધારો કરી પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. છેલ્લા ૩૦ વર્ષથી ખેતીનાં વ્યવસાય સાથે સંકળાયેલા નારાયણભાઈ જણાવે છે કે પહેલા મેં શાકભાજી જેવા પાકોની ચીલાચાલુ ઢબે ખેતી કરી. પરંતુ આ પાકોમાં ભાવ બહુ ઓછો મળતો ને વળતર ઝાઝુ વળતર મળતું નહીં. એ માટે હું થોડો ચિંતામાં રહેતો હતો. જો કે પછી સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીનાં લાભો વિશે જાણકારી મળતા મેં પ્રાકૃતિક ખેતી અપનાવાનું વિચાર્યુ. છેલ્લા ૩ વર્ષથી મેં મારી ૩ વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે અને મને તેના ઘણા સારા પરિણામો મળ્યા છે. ખેતી માટે ખાતર, દવાઓ સહિતનાં ખર્ચમાં મોટો ઘટાડો થયો છે અને પાકની ગુણવત્તા સુધરી છે. જેનાં પરિણામે મારી આવકમાં પણ વધારો નોંધાયો છે.   તેઓ આ વિશે વધુ વાત કરતા જણાવે છે કે, સરકારના બાગાયત વિભાગની યોજના અંતર્ગત પપૈયાની ખેતી માટે સહાય મળી હતી. આ ઉપરાંત, પપૈયાની ખેતી મૂલ્યવર્ધક બને તે માટે મને આત્મા પ્રોજેક્ટ દ્વારા સતત માર્ગદર્શન પણ મળ્યું છે.

પપૈયાની ખેતી વિશે વાત કરતા નારાયણરાવએ જણાવ્યું હતું કે, મને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર અને ઉત્સાહ પહેલેથી જ હતો. આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા આ ક્ષેત્રે ખૂબ સુંદર કામગીરી થતી હોવાથી માર્ગદર્શન માટે હું આત્મા પ્રોજેકટ સાથે જોડાયો. જ્યાં વિવિધ સેમિનાર અને મીટીંગો દ્વારા પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય તેના વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી. ત્યાર બાદ પપૈયાના રોપા વાવી પ્રાકૃતિક રીતે પપૈયાની ખેતી શરૂ કરી હતી.

૩ વીઘા જમીનમાં અંદાજીત ૧૦૦૦ થી વધુ રોપા વાવ્યા છે. રોપા વાવ્યા બાદ તેના ઉછેર માટે સૌપ્રથમ પાયામાં ઘન જીવામૃત, મૂળના રક્ષણ માટે બીજામૃત અને જરૂરિયાત મુજબ જીવામૃતનો  સમયાંતરે છંટકાવ કર્યો હતો. સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ પદ્ધતિથી પપૈયાની ખેતી કરતા ભેજ અને તાપમાનનું પ્રમાણ જળવાતું હોવાથી પપૈયાના છોડનો સારી તંદુરસ્તી સાથે વિકાસ થયેલો જોવા મળે છે. અંદાજીત 5 થી 6 મહિના સમયગાળા બાદ પપૈયાના ફળો આવવા લાગ્યા.
પપૈયાની ખેતી અને વેચાણ અંગે માહિતી આપતા નારાયણરાવએ  જણાવ્યું હતું કે, પપૈયાની ખેતી ઓછી માવજતથી થતો રોકડીયો પાક છે. વળી, પપૈયાના વેચાણમાં પણ તકલીફ પડતી નથી કારણ કે, વેપારીઓ- લોકો  સીધા ખેતર પરથી જ  લઈ જાય છે તેથી બહાર વેચવા પણ જવું પડતું નથી. પ્રાકૃતિક ખેતીનાં પરિણામે જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે. જમીનમાં અને પાક પર હાનિકારક દ્રવ્યો ન જતા હોવાથી ગુણવત્તાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ હોય છે.
પ્રાકૃતિકખેતીની  પધ્ધતિ થોડી માવજત વધુ માંગે છે પરંતુ સામે તેમાં કોઈ ખર્ચ નથી. આમ, જીવનનું આ રક્ષણ પણ આપણને સેવા અને પૂણ્યની અગણિત તક આપે છે. તેથી પ્રાકૃતિક ખેતી ખુશીનો માર્ગ તો ખોલે જ છે, તે ‘સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયઃ’ આ ભાવનાને પણ સાકાર કરે છે.

[wptube id="1252022"]
Back to top button