
જે ધર્મસ્થળો અન્યાય સામે લડવાની શક્તિ છીનવી લે તે કામના શું?
ઉત્તરપ્રદેશના જગનેર-આગ્રાના બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વવિદ્યાલયમાં 10 નવેમ્બર 2023ના રોજ રાત્રે બે સગી બહેનો એકતા અને શિખાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. એકતાએ 3 પાનાંની સ્યુસાઈડ નોટ લખી, જ્યારે શિખાએ 1 પાનાની નોટ લખી. આ નોટ બ્રહ્માકુમારીના વ્હોટ્સએપ ગ્રુપમાં તથા પરિવારના સભ્યોને મોકલી હતી. બન્ને બહેનોએ 15 વર્ષ પહેલાં 2008માં બ્રહ્માકુમારી આશ્રમમાં દીક્ષા લીધી હતી. સુસાઈડનોટમાં નીરજ સિંઘલ/ ગુડ્ડન/ તારાચંદ/ પૂનમબેન સામે આક્ષેપો મૂકેલ છે. ગુડ્ડન બંને બહેનાના મામા હતા, જ્યારે નીરજ સિંઘલ સંબંધી હતા. પૂનમબેન ગ્વાલિયરના બ્રહ્માકુમારી આશ્રમ સાથે સંકળાયેલી છે. આશ્રમ બનાવવા માટે નીરજ અને પૂનમબેને બન્ને બહેનો પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા. બન્ને બહેનોએ સ્યુસાઈડ નોટમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતિ કરી છે કે “ચારેય જવાબદારોને આશારામની જેમ આજીવન જેલમાં રાખજો ! આશ્રમમાં ઘણી બહેનો આત્મહત્યા કરે છે, પરંતુ આ લોકો બધું છુપાવે છે.”
થોડાં પ્રશ્નો : [1] ધાર્મિક સ્થળોમાં હત્યા/ સ્યુસાઈડ/ છેતરપિંડી/ અનૈતિક પ્રવૃતિઓ થાય છે તે શામાટે અટકી શકતી નહીં હોય? ધાર્મિક સ્થળો સંસારજીવનથી કઈ રીતે જુદા છે? શામાટે સંસારીઓ ધાર્મિક સ્થળોથી અંજાઈને દીક્ષા લેતાં હશે? [2] સુસાઈડનોટમાં જે ચાર વ્યક્તિઓ સામે અનૈતિક પ્રવૃતિઓ અને નાણાંની ઉચાપતનો આરોપ મૂકવામાં આવ્યો છે; તે પણ બ્રહ્માકુમારી પંથના અનુયાયી છે; કોઈ પણ પંથ/ સંપ્રદાયમાં ઈશ્વર કરતાં પૈસાને મહત્વ શામાટે આપવામાં આવતું હશે? ઉપદેશ માયાનો ત્યાગ કરવાનો અને માયા માટે ગુનાઓ કરવાના? શું આ દંભ નથી? [3] કોઈ પણ સંપ્રદાય/ પંથમાં ગરીબનું કોઈ સ્થાન ખરું? નાણાવાળાને વિશેષ આદર કેમ આપવામાં આવે છે? નાણાવાળા મંચ શોભાવે અને ગરીબો તાળીઓ પાડે; શું આ એક મૂડીવાદી કાવતરું નથી? શામાટે બધાં સંપ્રદાયો/ પંથો મૂડીવાદની તરફેણ કરે છે? અદાણી-અંબાણી ધાર્મિક સ્થળોએ જાય છે તે ધાર્મિક શ્રદ્ધાને કારણે કે મૂડીના સંરક્ષણ માટે?
સૌથી મોટો સવાલ એ છે કે જે ધર્મસ્થળો અન્યાય સામે લડવાની શક્તિ છીનવી લે તે કામના શું?rs










