NAVSARI

બાલવાટિકા માં ૬૦ તથા આંગણવાડીમાં ૯ બાળકોને શાળા પ્રવેશ કરાવતા મહિલા અને બાળવિકાસ વિભાગના નાયબ સચિવશ્રી એસ.જી.પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
શિક્ષણથી કોઇ વંચિત ન રહે તેની દરકાર સરકારે લીધી છે – મહિલા અને બાળવિકાસ વિભાગના નાયબ સચિવશ્રી એસ.જી.પટેલ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ડુંગરપાડા વર્ગ શાળા સહિતની ત્રણ શાળાઓમાં મહિલા અને બાળવિકાસ વિભાગના નાયબ સચિવશ્રી એસ.જી.પટેલના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં તેમણે બાલવાટિકામાં ૬૦ તથા આંગણવાડીમાં ૯ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમજ ગત વર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવનારા શાળાના વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કર્યાં હતાં.આ પ્રસંગે શ્રી એસ.જી.પટેલે જણાવ્યું હતું કે શિક્ષણથી કોઇ વંચિત ન રહે તેની દરકાર સરકારે લીધી છે. છેલ્લા ૨૦ વર્ષથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી ડ્રોપ આઉટ રેશિયો નહિવત થયો છે.
શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા તેમણે ઉમેર્યું કે, શિક્ષકોએ વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણ ઉપર વધુ મહેનત કરવી પડશે. અને નવા આવેલા વિદ્યાર્થીઓનો શાળાનો ડર પણ દુર કરવાનો રહેશે. બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવા પણ શિક્ષકોએ ખાસ ભાર મુકવાનો રહેશે. તેમજ રમતગમત અને ઇત્તર પ્રવૃતિઓ કરવા માટે  પણ તેમણે જણાવ્યું હતું.શિક્ષકોને જણાવ્યું હતું કે, બાળકોને ભાર વગરનું ભણતર આપવાની જરૂરીયાત છે. શિક્ષણ માટે ખોટો ભાર તેમજ તણાવ બાળકો ઉપર ન લાવવો જોઇએ.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાઓની મુલાકાત દરમિયાન એસ.એમ.સીના સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી શાંતુભાઇ ગાંવિત, મામલતદાર શ્રી એસ.એમ.વસાવા સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકર બહેનો તથા મોટી સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button