
તા.૧૪.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે.મંદિર ટ્રસ્ટ દ્વારા એક અખબારી યાદીમાં કરવામાં આવેલી જાહેરાતમાં જણાવામાં આવ્યું છે કે તા,20.03.2023 ને સોમવાર ના રોજ થી કોઈ પણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. મંદિર માં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદડી સાથે ઘરે લઇ જવા નું રહેશે.ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે.અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો.જો વેપારીઓ પાસે થી છોલેલું શ્રીફળ મળશે તો તેઓની સામે પવિત્ર સ્થાન માં સ્વચ્છતા રાખવા માં સહકાર નહિ આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં.જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી કરવામાં આવી છે.સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરવામાં આવેલી અગત્યની જાહેરાત બાબતે મંદિર ટ્રસ્ટ ના મંત્રી અશોકભાઈ પંડયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે શ્રીફળ ના છાત્રા ( કચરા ) ને લઇ પાવાગઢ ઉપર ગંદકી વધારે થાય છે.ઉપરાંત આગ પણ લાગે છે આવા સમયે ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત ડુંગર હોવાથી કચરાને નિકાલ પણ કરવામાં તકલીફ પડે છે.છોલેલા છાત્રા કચરા નો નિકાલ કરવો હોય તો તેને ગધેડા ઉપર માંચી સુધી લઇ જવો પડે છે ત્યારબાદ કોઈ વાહન માં ભરી નીચે લઇ જવો પડે છે.આવા અનેક કારણો તેમજ સ્વચ્છતાના ભાગ રૂપે આ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે.અને ભક્તો તેનો પૂરતો સહકાર આપે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.










