તા.૨૪/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લા કોર્ટ ખાતે કુલ ૧૮ આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટરની જગ્યા માટે નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
જિલ્લા કોર્ટમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા સાત વર્ષથી સક્રિય હોય, ૫૫ વર્ષથી વધુ ઉંમર ન હોય અને નિમણૂકના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પૂર્વેની મુદત માટે આવકવેરા કરદાતા હોય, તેવા ઉમેદવારોએ www.rajkot.gujarat.gov.in તથા www.rajkot.gujarat.nic.in પરથી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરીને જન્મતારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરાના રીટર્ન તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્ર સામેલ રાખીને અરજી ફોર્મ રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. દ્વારા રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, જિલ્લા સેવા સદન, પહેલો માળ, રાજકોટને મોડામાં મોડા તા.૦૮/૦૯/૨૦૨૩ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
અધૂરી વિગતવાળી અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. નિમણૂંક પામનાર ઉમેદવારોને નિયમ મુજબ મળવાપાત્ર ફી તેમજ અન્ય ભથ્થા મળશે. ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે નિયત સ્થળે પોતાના ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે હાજર થવાનું રહેશે. તેમ રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રભવ જોષીની યાદીમાં જણાવાયું છે.








