
તા.૧/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
હાલની ઋતુમાં મગફળીના પાકમાં જોવા મળતી સફેદ ઘૈણના નિયંત્રણ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા નીચે મુજબના નિયંત્રણના પગલાંઓ લેવા સૂચના આપવામાં આવી છે
ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો (ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરજીવીઓ અને પરભક્ષીઓથી તેનો નાશ થશે. *શરૂઆતના સારા વરસાદ બાદ ખેતરના શેઢા પાળા પરના આજુબાજુના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી., ૨૫-૩૦ મી.લી., પ્રતિ ૧૦ લીટર પાણીમાં મીશ્રણ કરી છંટકાવ કરવાથી ઝાડ ઉપર એકઠાં થયેલ ઢાલિયાનો નાશ થાય.

આ ઉપરાંત, જમીનમાં પડી રહેલ સુષુપ્ત ઢાલિયા સંધ્યા સમયે જમીનમાંથી બહાર નીકળતા હોવાથી, ખેતરના શેઢા-પાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો.
* (એ.એ.યુ.) ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પીંજર ગોઠવવા. અને આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો.
*દીવેલીનો ખોળ ૫૦૦ કિ.ગા/હેક્ટર પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ઘૈણ ઉપરાંત મગફળીના પાકમાં ડોડવાને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી શકાય. (એ.એ.યુ.)
બીજ માવજત :
*મગફળીના બીજને વાવતા પહેલા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૫ મિલિ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિલિ અથવા ક્લોથીયાનિડીન ૫૦ ડબલ્યુડીજી ૨ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૬.૫ મિલિ પ્રતિ કિગ્રા બીજ પ્રમાણે બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો,
(એ.એ.યુ.) * બ્યુવેરિયા બેસિયાના અને મેટારિઝિયમ એનિસોપ્લિયા નામની ફુગનો પાઉડર ૨૫ ગ્રામ એક કિગ્રા બીજને માવજત આપી વાવેતર કરવુ. (એ.એ.યુ.)
મગફળીના ચાસમાં આપવાની માવજત :
* જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે જૈવીક જંતુનાશકો જેવી કે મેટારીઝીયમ એનીસોપ્લી અથવા બ્યુવેરીયા બાસીયાના ૧.૧૫ વેપા (ન્યુનતમ ૨×૧૦૬ સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા અથવા ઉગવાના ૩૦ દિવસ પછી ૧ કિગ્રા ૩૦૦ કિગ્રા દિવેલી ખોળ સાથે ભેળવી છોડની હરોળમાં આપવી આ બંન્ને જૈવીક જંતુનાશકો જમીનમાં આપતા સમયે જમીનમાં ભેજ હોવો આવશ્યક છે. * ધૈણનો ઉપદ્રવ વધારે રહેતો હોય તો મગફળીના ચાસમાં બજારમાં મળતા રાસાયણીક જંતુનાશકો કલોરપાયરીફોસ ૧૦જી હેકટરે ૧૦ થી ૧૫ કિ.ગ્રા. ચાસમાં વાવેતર પહેલા આપવુ.
વાવેતર પછી નિયંત્રણના પગલાઓ :
* જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૫ થી ૩૦ મી.લી. દવા પ્રતિ ૧૦ લીટર પાણીમાં મીશ્રણ કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉત્તરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે.
* ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. અથવા કવીનાલફોસ ૨૫ ઈ.સી. હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે.
* ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનુ હોય ત્યારે આ જીવાતના નિયંત્રણ કરવા માટે કલોરપાયરીફોસ ૪ લીટર દવા ૫ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો જીણી રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સુકવી, આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે મુકવી, ત્યાર બાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું.
* મીથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે, જે આ જીવાતના એગ્રીગેશન એટલેકે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા, ૫ × ૫ સે.મી.ના વાદળી (સ્પોંજ)ના ટૂકડા કરવા, જેને ૪૫-૫૦ સે.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી, વાદળીના ટૂકડા પર ટપકણીયામાંથી ૩ મિલિ જેટલું મીથોક્સી બેન્ઝીન ટીંપે ટીંપે રેડવું (એ.એ.યુ.)
આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે.વી.કે. ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામકશ્રી(વિ.)/ નાયબ ખેતી નિયામકશ્રી(તાલીમ) અથવા
કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિબેન પટેલની યાદીમાં જણાવ્યું છે








