JETPURRAJKOT

એક વ્યક્તિના રકતદાનમાંથી મળતા પ્લેટલેટ્સ, પ્લાઝમા અને રેડ સેલથી મળે છે, ત્રણ વ્યક્તિને જીવતદાન

તા.૧૨ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

થેલેસેમીયાના દર્દીઓ માટે મોટા ભાઇને રક્તદાન કરતા જોઇને માત્ર ૧૯ વર્ષની ઉંમરથી ૧૫૦ વખત રક્તદાન અને અનેક રક્તદાન કેમ્પના આયોજન થકી હજારો બોટલ રક્ત એકત્રિત કરી આપતાં વિનયભાઈ જસાણી

વિશ્વભરમાં ૧૪ જૂનની વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે ઓસ્ટ્રિયાના જીવવિજ્ઞાની, ચિકિત્સક અને આધુનિક રક્ત તબદિલીના સ્થાપક કાર્લ લેન્ડસ્ટીનરની જન્મજયંતિ નિમિત્તે ૧૪ જૂન ૧૮૬૮થી કરવામાં આવે છે. તેઓ બ્લડગૃપના વર્ગીકરણની આધુનિક પદ્ધતિ એ,બી,ઓ રક્તજૂથના શોધક હતા, જેનાથી ડૉક્ટર્સ દર્દીના જીવને જોખમમાં મૂક્યા વિના રક્ત તબદિલી કરાવવા સક્ષમ બન્યા છે. તેમને વર્ષ ૧૯૩૦માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ – ૨૦૦૫માં પ્રથમ વખત વિશ્વ રક્તદાતા દિવસનું આયોજન કરાયું હતું.

વિશ્વ રક્તદાતા દિવસની આ વર્ષની થીમ છે:‘‘ડોનેટ બ્લડ, ડોનેટ પ્લાઝમા, શેર લાઇફ, શેર ઓફન’’, આ થીમ આધારિત એવા દર્દીઓ પર ભાર મુકવામાં આવ્યો છે, જેમને જીવનભર રક્ત અથવા પ્લાઝ્માની જરૂર હોય. આ દિવસની ઉજવણી વિશ્વભરમાં ઠેર ઠેર રક્તદાન કરીને ઉજવવામાં આવે છે.

રાજકોટના રકતદાન કરનારા શતકવીરોમાં રાજકોટની શ્રીમદ રાજચંદ્ર સંસ્થામાં કાર્યરત વિનયભાઈ જસાણીએ ૧૫૦મી વખત રક્તદાન કર્યું છે. તેમણે માત્ર ૧૯ વર્ષની વયથી રક્તદાન કરવાની શરૂઆત કરી હતી. વિનયભાઈએ તેમના મોટા ભાઈને થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કરતા જોઇ રકતદાનના સેવાકાર્યમાં જોડાવાની શરૂઆત કરી હતી. તેઓ નિયમિત સમયાંતરે પોતાના કુટુંબ, મિત્ર વર્તુળમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરીને વધુને વધુ લોકોને રક્તદાન કરવા પ્રેરિત કરતા રહ્યા છે. તેમની સંસ્થા દ્વારા અનેકવિધ કેમ્પ કરીને મહિનાની આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ બોટલ રક્ત ભેગુ કરીને સિવિલ હોસ્પિટલને સોંપે છે, જેનાથી થેલેસેમિયાના દર્દીઓને મદદરૂપ થવાય છે.

ટૂંક સમયમાં શતકવીર રકતદાતા બનનારા અને સાચા અર્થમાં રક્તદાતા દિવસના પ્રેરણા સ્વરૂપ મહેશભાઈ જુરિયાણી ૭૦% દિવ્યાંગતા છતાં ૯૯ વખત રક્તદાન કરી લોકોનું જીવન બચાવવામાં સહભાગી બન્યા છે. આ સેવાયજ્ઞનો આરંભ વર્ષ ૧૯૯૮થી થયો હતો. તેમના મિત્રના પુત્ર થેલેસેમિયાથી પીડિત હોવાથી તેને મદદરૂપ થવા સૌથી પહેલા રક્તદાન કરવાની પ્રેરણા મળી હતી. ૪૪ વર્ષીય મહેશભાઈ પી.જી.વી.સી.એલ.માં કેશિયર તરીકે ફરજ બજાવે છે. મહેશભાઈની સાથોસાથ તેમના પત્ની રેશ્માબેન પણ દિવ્યાંગ હોવા છતા ૨૫ વખત રક્તદાન કર્યું છે. આ દિવ્યાંગ દંપતી સમાજમાં અન્ય લોકો માટે પ્રેરણા બન્યુ છે. વધુમાં મહેશભાઈએ જણાવ્યું હતું કે હું દિવ્યાંગ છું પણ સમાજમાંથી ઘણો સપોર્ટ મળે છે. આથી, સમાજ પ્રત્યે મારું પણ ઉત્તરદાયિત્વ છે કે મારે પણ સમાજને રિટર્ન આપવું જોઈએ. અને હું રક્તદાન કરી શકતો હોઉં તો આજનો યુવા રક્તદાન કરવા સક્ષમ છે.

એવા બીજા શતકવીર ૫૨ વર્ષીય નીરજભાઈ જાની પ્રકૃતિ પ્રેમી, દરિયા પ્રેમી અને વ્યાયામ શિક્ષક છે, જેમણે ૧૮ વર્ષની ઉંમરથી જ રક્તદાન કરવાની શરૂઆત કરી હતી. એમના જણાવ્યા મુજબ આજદિન સુધીમાં લગભગ ૧૦૦થી વધુ વખત રક્તદાન કર્યું છે. નીરજભાઈએ મિત્રવર્તુળ અને કુટુંબીજનોને રક્તદાન માટે પ્રેરિત કર્યા છે. તેઓ રાજીવ ગાંધી ગોલ્ડ કપ જુડોમાં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા રહી ચુકેલા છે. એ સમયે નીરજભાઈએ છ થી સાત કલાક શારીરિક શ્રમ કર્યા બાદ પણ રક્તદાન કર્યું છે અને ક્યારેય પણ શારીરિક તકલીફ નથી પડી. રાષ્ટ્રીય કક્ષાની રમત માટે પ્રેક્ટીસ કરવા ખુબ શારીરિક શ્રમ કરવા છતાં પણ શારીરિક રીતે નબળા કે તકલીફ પડી નથી. નીરજભાઈ વર્ષમાં સરેરાશ ત્રણ વખત નિયમિત રક્તદાન કર્યું છે.

[wptube id="1252022"]
Back to top button