Rajkot: વિંછીયા-જસદણના ૨૧ ગામો માટે રૂ.૧૮.૧૦ કરોડની ભડલી જૂથ પાણી પુરવઠા યોજનાનું મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહુર્ત

તા.૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સૌની યોજના મારફત પાણી પહોંચાડવા ૧૬૭ કરોડના કામોને મંજૂરી: જળસંપત્તિ મંત્રીશ્રી બાવળિયા
Rajkot: રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે વિંછીયા તાલુકાના ભડલી ગામમાં ૨૧ ગામોને નર્મદાનું પીવાનું શુદ્ધ પાણી પૂરી પાડતી “ભડલી જૂથ પાણી પુરવઠા યોજના”ના રૂ. ૧૮.૧૦ કરોડના વિકાસકામનું ખાતમુહૂર્ત તથા તકતી અનાવરણ કર્યું હતું.

આ તકે ઉપસ્થિતોને સંબોધતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, આ વિસ્તારના લોકોને રોજનું માથાદીઠ ૧૦૦ લીટર પાણી મળે તે માટે બનાવાયેલી ભડલી જૂથ સુધારણા યોજનાથી ૨૧ ગામોના ૬૨ હજાર લોકોને લાભ મળશે. સમગ્ર વીંછિયા ઝોનમાં પીવાના પાણીની કોઈ તકલીફ ન રહે, તેવી નેમ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગોમા ડેમ આધારિત પાણી પુરવઠા યોજના મંજૂરીના તબક્કે છે. જસદણ-વીંછિયા તાલુકામાં પાણીની કોઈ તકલીફ ના રહે તે માટે, સૌની યોજના સહિત લાંબા ગાળાની યોજનાઓના કામ પ્રગતિ હેઠળ છે. તથા છેવાડાનું એક પણ ગામ પાણીવિહોણું ન રહે, તે માટે નવી યોજના બનાવવા સૂચના પણ સંબંધિતોને આપી છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજયસરકારે પાણી પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.જે અંતર્ગત ગયા ઉનાળામાં સૌની યોજનામાં સૌથી વધુ પાણી સૌરાષ્ટ્રને મળ્યું છે. ગયા વર્ષે પંથકના ૫૬ ઊંડા કર્યા છે. જે ભરાઈ જતા જમીનમાં પાણીના તળ ઊંચા આવ્યા છે અને ખેડૂતોને પાણી મળતા તેઓ એક પાક વધુ લઈ શક્યા છે.
તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જળ સંપત્તિ વિભાગે રાજ્યના બધા જ ઝોનમાં સૌથી વધુ સિંચાઈના કામો મંજૂર કર્યા છે. સૌની યોજના અંતર્ગત છેક હાંસલપુરથી લઈને કમળાપુર પાસેના દહિસરા સહિતના ગામો સુધી પાણી પહોંચાડવા રૂ. ૧૬૭ કરોડની યોજનાને મંજૂરી આપી દીધી છે. જ્યારે ઘેલા સોમનાથ પાસે આવેલી ઘેલો નદીમાં ઉનાળામાં પાણી વહેતા થાય તે માટે રૂપિયા ૧૧૦ કરોડની યોજના તેમજ વિસ્તાર માટે અન્ય યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
આ સાથે મંત્રીશ્રીએ જસદણ, વીંછિયા વિસ્તારમાં શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસની વિગતો પણ આપી હતી. આ સાથે ભાવિ પેઢીને અભ્યાસ માટે તાલુકા બહાર ના જવું પડે અને અહીં જ બધી શૈક્ષણિક વ્યવસ્થા ઊભી કરવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી.

આ તકે જૂથ પાણી પુરવઠા યોજનાની માહિતી આપતા રાજકોટ ઝોનના મુખ્ય ઇજનેર શ્રી આર.એમ. મહેરિયાએ જણાવ્યું હતું કે, ભડલી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત વીંછિયાના ૧૬ અને જસદણના પાંચ ગામોના લોકોને રોજનું માથાદીઠ ૧૦૦ લીટર પાણી મળશે. જળસંપત્તિ મંત્રીના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં પાણીના રૂ. ૧૩૦૦ કરોડના કામો થનાર છે. જ્યારે વીંછિયા તાલુકામાં ગામે ગામ પાણી પહોચાડવા માટે કુલ મળીને આશરે ૧૭૩ કરોડ રૂપિયાના પાણી પુરવઠાના વિકાસ કામો હાથ ધરાનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ ઝોનના અધિક્ષક ઇજનેર સુશ્રી કોમલબેન અડાલજા, કાર્યપાલક ઇજનેર શ્રી એ. આર. ગોહિલ, કા.પા.ઈ. (વાસ્મો) શ્રી પી.એમ.પરમાર, વિંછીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.જી.પરમાર, મહંતશ્રી લાલદાસ બાપુ, તાલુકાના અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાંકળિયા, શ્રી ભાવેશભાઈ વેકરિયા, શ્રી હનુભાઈ ડેરવાડિયા તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ, આસપાસના વિસ્તારના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાશનકાર્ડ પર હવે ચાર તહેવારમાં સિંગતેલ આપવા વિચારણા
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ભડલી ખાતે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હાલ દેશમાં એન.એફ.એસ.એ. રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ચાર તહેવારોમાં એક એક કિલો સિંગતેલ આપવા પણ સરકાર વિચારણા કરી રહી છે.








