ગુજરાત રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોથા રાઉન્ડમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી શકે છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના ચોથા રાઉન્ડમાં વરસાદનું જોર ફરી વધતા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે જેમા આગામી 24 કલાકમાં સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે જો કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
રાજ્યમાં હાલ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા બનાસકાંઠાના દાંતીવાડામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આજે નર્મદા, ભરૂચ, વડોદરા,વલસાડ, તાપી, પંચમહાલ, ખેડા, પાટણ, આણંદ, અમદાવાદ, ડાંગ, સુરત, નવસારી, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે.
અમદાવાદમાં આ વર્ષે સિઝનનો અત્યાર સુધીમાં કુલં 24 ઈંચ સાથે 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ ધંધુકામાં 110 ટકા તેમજ બાવળામાં સૌથી ઓછો 30 ટકા વરસાદ વરસ્યો છે. શહેરમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.