GUJARATMORBI

આજના જ દિવસે ૪૪ વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો

મોરબી આજના જ દિવસે ૪૪ વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો

૧૧મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ તો ઠીક પણ દેશવાસીઓ પણ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આજના જ દિવસે ૪૪ વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું નહોતું થઇ ગયું હતું. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને ૧૧મી તારીખ પહેલા પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમ છલોછલ ભરાઈ ગયો હતો અને એકાએક ડેમનો માટીનો પાળો તૂટવાને કારણે મોરબી પર પાણી ફરી વળ્યા હતા.


જળપ્રલયની એ બિહામણી ઘટનાની યાદથી પણ મોરબીવાસીઓના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે. જોકે, મોરબીના જળ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો તો આજની તારીખમાં પણ સામે આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા.
એટલું જ નહીં પણ ગાય ભેંસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. શેરી ગલ્લીઓ તો ઠીક વીજળીના થાંભલા, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી અને હોનારત બાદ શહેરમાં રોગચાળો ફાટી નીકળતા લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું ઉભી થઈ હતી. જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા.


અત્રે ઉલેખનીય છે કે, ભારે વરસાદના કારણે એ ગોઝારા દિવસે સવારથી જ શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાવવા લાગ્યા હતા, તેવામાં મચ્છુ ડેમ તૂટતા લોકોને પોતાના જીવ બચાવવા મુશ્કેલ બની ગયા હતા અને ઘણા લોકોએ તો મચ્છુના પાણીમાં નજરો નજર પોતાના સ્વજનોને ડૂબતા જોયા હતા. જેથી મચ્છુની આ ગોજારી હોનારતનો દિવસ નજીક આવે એટલે આજે પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે.


આ હોનારતને કારણે મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ તુટતી લોકોએ નજરે નિહાળી હતી. આ હોનારતના કારણે મોરબી શહેર એક ટાપુ સમાન બની ગયું હતું અને ચોમેર પાણી જ પાણી હતું. પાણી ઓસરવા લાગ્યા બાદ એક બાજુ મોરબીમાં લાશોના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળ્યું હતું.દર વર્ષે મોરબી આ મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કારણ કે ક્ષણવારમાં હજારો લોકોના સપના, ઇચ્છાઓ અને ઓરતા પર મચ્છુ ડેમના પાણી પાણી ફરી વળ્યા હતા. હાલમાં ભલે એ પાણી ઓસરી ગયા હોય પરંતુ ૪૪ વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ તાજા જ છે કારણ કે, હોનારત પછીના દિવસે લાચારી, બેબસી અને અસહાયતા સિવાય બીજું કશું જ લોકો પાસે બચ્યું નહોતું. મોરબીના હોનારતની ગીનીસ બુકમાં પણ સૌથી ભયાનક હોનારત તરીકે નોંધ કરવામાં આવી છે દર વર્ષે ૧૧ ઓગસ્ટના દિવસે મોરબી પાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવે છે જેમાં રાજકીય, સામાજિક આગેવાનો સહિતના લોકો તેમજ અધિકારી સહિતના હાજર રહીને ઈ કાળમુખા દિવસને યાદ કરીને ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલી આપે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button