
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વર્ષ દહાડે 100 ઈંચ જેટલો વરસાદ નોંધાય છે.પરંતુ કુદરતી ઋતુચક્રનાં પરિક્રમણ સામે કુદરતનું જ જળસંશાધન લાચાર બની ગયુ છે.હાલમાં ગ્લોબલ વોર્મિંગનાં પગલે છેવાડેનાં ડાંગ જિલ્લામાં પણ વરસાદી આંકડામાં વધઘટ જોવા મળ્યો છે.ફાટફૂટ વનસંપદા હોવા છતાંય જિલ્લામાં વરસાદ ઘટતા ચિંતાનો પ્રશ્ન બન્યો છે.ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન લોકમાતાઓમાં અંબિકા,પૂર્ણા,ખાપરી અને ગીરા નદી અધધ પાણીનાં પ્રવાહ સાથે બન્ને કાંઠે થઈ ગાંડીતુર બની વહેતી જોવા મળે છે.આ ચારેય નદીઓ તરફ નજર નાખો તો સર્વત્ર પાણી પાણી જ જોવા મળી રહે છે.પરંતુ ઉનાળાની ઋતુમાં ડાંગની આ ચારેય નદીઓ ખુદ પાણી માટે વલખા મારતી હોય તેમ નજરે પડે છે.ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે અસહ્ય ગરમી પડી રહી છે.જેના પગલે નદી,ઝરણા,તળાવમાં પાણીનાં સ્ત્રોત ક્યાંક ઊંડા ગયા છે અથવા તો ક્યાંક સુકાઈ જતા જનજીવન સહિત પશુઓ સુકારો અનુભવી રહ્યા છે. ડાંગ જિલ્લાની અંબિકા,ખાપરી,પૂર્ણા, ગીરા અને ધોધડ નદીમાં હાલમાં અમુક ઠેકાણે પાણી સુકાઈ જવા પામતા આ નદીઓ બોડી બંજર દેખાઈ રહી છે.જ્યારે નદીઓમાં અમુક જગ્યાએ થોડાક અંશે પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે.જેને પગલે લોકોની જીવાદોરી સમાન નદીઓજ હાલમાં પાણી માટે વલખા મારતી હોય તેવા દ્રશ્યો પ્રતીત થઈ રહ્યા છે.