
તા.૧૮/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આયુષ્માન કાર્ડ, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ બંને પંચાયતને પ્રશસ્તિપત્ર એનાયત
Rajkot, jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં થાણા ગાલોલ અને ચાપરાજપુર ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને ઘર આંગણે સરકારી યોજનાઓના લાભો મળ્યા હતા. આ યાત્રાનું ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક થકી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હવે પછી તા.૧૯ ડિસેમ્બરે બોરડી સમઢિયાળા, તા.૨૦ ડિસેમ્બરે રૂપાવટી અને બાવા પીપળીયા ગામે યોજાશે.

બંને ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેલ્થ કેમ્પમાં ટીબી અને સિકલ સેલ એનિમિયાની તપાસ નિ:શુલ્ક કરી આપવામાં આવી હતી. સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલા કારીગર, રમતવીરને આ તકે મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સરકારની વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, ગ્રામ પંચાયત આગેવાનશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.પી. વણપરીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કુલદીપ સાપરીયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ શ્રી એમ. એન. રાવલ, વિકસિત ભારત રથ નોડલશ્રી કે.ડી.સખીયા, થાણા ગાલોલ વહીવટદારશ્રી રાજેશભાઈ મહેતા, ચાપરાજપુર વહીવટદારશ્રી સી. ડી. ઉમરાણીયા, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રી, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








