
તા.૫/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સશક્ત ભારતના નિર્માણમાં નશા મુકત ભારતની વિભાવના સાર્થક કરવી જરૂરી: તજજ્ઞોનો અભિપ્રાય
Rajkot: ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા “નશા મુકત ભારત અભિયાન” અંતર્ગત યુનિર્વસિટી રોડ, રાજકોટ ખાતે કેપેસીટી બિલ્ડીંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

આ સેમિનારમાં નશામુક્ત ભારતનું સર્જન કરવા નશાકારક પદાર્થોનો ઉપયોગ અટકાવવા, તેની માંગ ઘટાડવા, શિક્ષણ જાગૃતિ તાલીમ અને પુન:સ્થાપનના હેતુ વગેરે વિષયક સેશન યોજવામાં આવ્યા હતા. જેમાં વીરનગર સ્થિત નશામુકિત કેન્દ્રના મનોચિકિત્સક ડો.રોકડે જણાવ્યું હતું કે, જે વ્યક્તિ પોતે નશામુક્ત થવા માંગતા હોય તેમના માટે આરોગ્ય વિભાગ
ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આવી વ્યક્તિઓનું સચોટ કાઉન્સિલિંગ કરી તેમને વિવિધ દવાઓના માધ્યમથી નશામુક્ત કરી શકાય છે.

નશામુક્તિ કેન્દ્ર વીરનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મંગડુભાઈ ધાંધલે પ્રત્યક્ષ અનુભવો અને વિવિધ નશાકારક પદાર્થોની શરીર પરની અસરો વિશે જણાવ્યું હતું તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલે સેમીનારના તાલીમાર્થી શિક્ષકોને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને નશા મુકિત વિષે વધુ જ્ઞાન આપી શિક્ષણ સાથે સામાજિક ઘડતર કરવા અને બાળકો દ્વારા પરિવારજનોને પણ નશામુક્ત કરવા માટે ઈમોશનલ થેરાપી વિશે માહિતી આપી હતી.

માનવ અધિકાર અને કાયદા ભવનના પ્રોફેસર શ્રી રાજુભાઈ દવેએ તેમના વક્તવ્યમાં નશાના કેન્દ્ર બિંદુ પર ફોકસ પાડતા લોકો નશા તરફ શું કામ વળે છે તેમજ નશાના વિષચક્રમાં ફસાયા પછી તેઓની માનસિક, શારીરિક અને આર્થિક હાલત કેવી થતી હોય છે તે અંગે વિવિધ ઉદાહરણો પૂરી પાડી નશાથી આજના યુવા ધનને બચાવવું જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. દેશની સમૃદ્ધિ અને એકતાને તોડી પાડવા માટે વિદેશી લોકો દેશના યુવાધનને નશાના રવાડે ચડાવે છે ત્યારે એક શિક્ષક તરીકે આપણી ભૂમિકા શું હોવી જોઈએ તે અંગે પણ તેમને ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. બ્રહ્માકુમારીના વિધિ દીદીએ બાળકોની પારિવારિક સંભાળ અને ઉછેર તેમજ શ્રી રામકૃષ્ણ મિશન રાજકોટના સ્વામી મેઘાનંદા લલિત મહારાજશ્રીએ ચારિત્ર્ય ઘડતર અને નશા મુક્તિ વિશે વિચારો રજૂ કર્યા હતા.

ડો.મિલન પંડિતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ નશામુક્ત ભારત અભિયાનની આવશ્યકતા અંગે વિસ્તૃત સમજ પૂરી પાડી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. અલ્પેશભાઈ ગોસ્વામીએ નશીલા દ્રવ્યોના આદી બાળક સંદર્ભે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ- ૨૦૧૫ માં જોગવાઈ અને બાળકોમાં નશાખોરીનું દુષણ અને પુનઃસ્થાપનના કાયદાકીય ઉપાયો અંગે માહિતી પૂરી પાડી હતી.
આ સેમિનારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી સંતોષ રાઠોડ, ચાઈલ્ડ વેલફેર કમિટી ચેરમેન શ્રી પ્રિતેશ પોપટ, નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ.પી.વાણવી અને વિધાનસભા ૬૯ વિસ્તારની શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








