
તા.૭/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુસંધાને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં નેતૃત્વ હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે ૬૮ રાજકોટ પુર્વ વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી રાજેશ્રી વાંગવાણીનાં માર્ગદર્શન અનુસાર રાજકોટના ૫૦% કરતા ઓછું મતદાન થયેલ હોય તેવા વિસ્તારોમાં ખાસ મતદાતા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.


કુબલિયાપરા, શેરી નં.૩,૫,૬ સ્લમ વિસ્તારમાં તેમજ ગોપવંદના હોકર્સ ઝોન, વોર્ડ નં. ૧૮ વિસ્તારમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં, જેમાં રહેવાસીઓને મતદાન પ્રક્રિયા અંગે સમજૂતી આપવામાં આવી હતી તથા તેમની મતદાનની પવિત્ર ફરજની યાદ અપાવી આગામી લોકસભા ચૂંટણીમાં તા.૭ મે ના રોજ અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત, મતદાર જાગૃતિ અંગેના પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.










