
નેત્રંગ ટાઉનમાં હર્ષોઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૯/૦૯/૨૦૨૩
શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી (ગોકુળઆઠમ)ની સમગ્ર નેત્રંગ તાલુકામા ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. નટખટ નંદલાલના જન્મોત્સવના વધામણા માટે નેત્રંગ વાસીઓ ઘેલા બન્યા હતા. જન્માષ્ટમીના પર્વે નેત્રંગ ટાઉનમાં તો જાણે ગોકુળ મથુરાનો માહોલ જોવા મળ્યો હતો.
નેત્રંગ તાલુકામા જન્માષ્ટમીના પર્વની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી. જન્માષ્ટમીના પર્વે રાત્રે ૧૨ વાગ્યે નેત્રંગ ટાઉન સહિત તાલુકાભરના મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. ત્યારે રાત્રિના બાર વાગતા જ મંદિરો નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. ત્યારે નેત્રંગ ટાઉનના તુલસી ફળિયા વિસ્તારમાં આવેલ શ્રી રણછોડરાય મંદિર, ગાંધી બજાર ખાતે આવેલ જલારામ મંદિર અને જીન બજાર સ્થિત શ્રી રાધા કૃષ્ણ મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા.
નેત્રંગ અંક્લેશ્વર રોડ પર આવેલ સાઈ ઇલેટ્રોસ્ટેટિક ની બાજુમાંથી ડી.જે ના તાલે ફટાકડા ફોડી વાદતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. જે શોભાયાત્રા મંગળવાળી વિસ્તાર ફરી ગાંધી બજાર, જલારામ ફડિયું અને તુલસી ફળિયા ખાતે આવેલ શ્રી રણછોડરાય મંદિર ખાતે આવી પહોંચતા મંદિર પરિસરમાં ગરબા, ભજન કરી હર્ષોઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રણછોડરાય મંદિર ખાતે કૃષ્ણ સુદામાની મૈત્રીના દ્રશ્યોએ દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.
તેવી જ રીતે નેત્રંગ ટાઉનના શાંતિ નગર ખાતે થી નંદલાલની શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. જે ચાર રસ્તા થી જીનબજાર ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરખાતે આવી પોહચતા સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો.
ઉપરોકત શોભાયાત્રામાં ગ્રામજનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. તેમજ નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.ગોહિલ દ્વારા પણ તાલુકા ભરમાં અને સમગ્ર શોભાયાત્રા તેમજ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને શાંતિ પૂર્ણ માહોલમાં સમગ્ર શોભાયાત્રા અને અને ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી.








