જામનગરના રાજવી જામસાહેબે કહ્યું છે કે લોકશાહીની રીતે પરશોત્તમ રૂપાલાને હરાવવા જોઈએ.
જામનગરના રાજવી જામસાહેબે પણ એક પત્રકાર પરિષદ કરી સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. જામસાહેબે કહ્યું છે કે આજના સમયમાં જૌહર કરવું યોગ્ય નથી, પણ લોકશાહીની રીતે પરશોત્તમ રૂપાલાને હરાવવા જોઈએ.
જામસાહેબે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે –
“આ બારામાં હજુ સુધી કઈ વધુ પડતું નથી બન્યું તે મારા હિસાબે સારી વાત છે કારણકે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ.
જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે. પરંતુ, જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેની હું ટીકા કરું છું કારણ કે, “ જૌહર ” નો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કુલ ઉપસ્થિત થતો જ નથી.
હાલમાં, ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રજપૂતો રાજ કરતા હતા તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે – સાથે એકતાનું પણ હતું. તે જમાનામાં રજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજનાં જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે, રજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે.
તો એ સમય આવી ગયો છે કે, આજનાં લોકશાહીનાં સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે, રજપૂતો હજી ભારતમાં જ છે. તેથી સહુ રજપૂતો ભેગા મળી જે કોઈ આવું કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂટણીમાં હરાવો. આને જ કહેવાય, લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા.”











