AMRELIBABRA

Intoxicating Syrup : ભાજપના મહિલા નેતાના પતિના ઘરેથી 3 હજાર બોટલ નશાયુક્ત સીરપનો જથ્થો ઝડપાયો

અમરેલી જિલ્લાના બાબરામાંથી નશાયુક્ત સીરપનો મોટો જથ્થો ઝડપાયો છે. ખેડા અને અમરેલી આ બંને ઘટનામાં ભાજપ નેતાઓની સંડોવણી સામે આવી છે.

બાબરામાં બાબરા નગરપાલિકાના મહિલા સભ્યના પતિ મૂળશંકર તેરૈયાના ઘર, દુકાન અને ગોડાઉનેથી નશાયુક્ત સીરપની 75 પેટી પોલીસે ઝડપી પાડી છે, જેમાં અંદાજે 3  હજાર જેટલી શંકાસ્પદ સીરપની બોટલો છે અને તેની કિંમત 4 લાખ રૂપિયા થાય છે. પોલીસે આ તમામ જથ્થાને FSLમાં પરીક્ષણ માટે મોકલી દીધો છે.

ઉલ્લેખનીય છે કે બાબરામાં આ અગાઉ પણ આ મૂળશંકર તેરૈયા પાસેથી સીરપનો 60 લાખનો જથ્થો ઝડપાયો હતો.

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી 5 લોકોના મોત થયા છે. આ સમગ્ર કેસની તપાસમાં લાગેલી પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે, જેમાં એક ભાજપ નેતાનો પણ સમાવેશ થાય છે.

ખેડા LCBએ આ સમગ્ર મામલે બિલોદરાના વેપારી કિશોર સોઢા, કિશોરનો ભાઈ અને નડિયાદના યોગેશ સિંધીની અટકાયત કરી છે. કિશોર સોઢા ઉર્ફે કિશન ભાજપનો નેતા છે, તે નડિયાદ તાલુકા કોષાધ્યક્ષનો હોદ્દો ધરાવે છે.

કિશન સોઢા કિરાણા સ્ટોર ધરાવે છે અને તેની દુકાનમાંથી જ આ નશાયુક્ત મેઘાસવ નામનું સીરપ વેંચતો હતો. આ સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા છે, જેમાં એક કિશન સોઢાના પિતા પણ મૃત્યુ  પામ્યા છે. નશાયુક્ત સીરપ અમદાવાદથી મંગાવવામાં આવ્યું હતું. જે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં આ સીરપ સપ્લાય કરનાર એક વચેટિયાનો પણ સમાવેશ થાય છે.

[wptube id="1252022"]
Back to top button