મેકિસકોની સંસદમાં એલિયન પર ચર્ચા, દુનિયામાં પ્રથમ વાર એલિયન જેવા મૃત જીવનું ડેમોસ્ટ્રેશન

મેક્સિકો,૧૪ સપ્ટેમ્બર,૨૦૨૩,ગુરુવાર
પોતાના વિશિષ્ટ કલ્ચરના લીધે જાણીતા મેકિસકોની સંસદમાં બે એલિયન જેવા મૃત જીવને સંસદીય કાર્યવાહી દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા જેને સોશિયલ મીડિયામાં લોકો એલિયન ગણાવી રહયા છે. કથિત એલિયન મમીઓને સંસદમાં દર્શાવવાની પ્રથમ ઘટના હતી. મેકિસકોની સંસદમાં પ્રથમ વાર ઓફિશિયલી રીતે પૃથ્વી બહાર બીજાગ્રહ પર જીવનની શકયતા અંગે ચર્ચા થઇ હતી. ભૂરા રંગના કથિત શબ હૂબહૂ માણસને જ મળતા આવતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આ મમીઓને જાઇમ માઉસાન નામના એક ચર્ચાસ્પદ મેકિસકન પત્રકાર અને સંશોધકે થોડાક વર્ષો પહેલા પેરુમાંથી શોધ્યા હતા. માઉસાને સંસદ સત્ર દરમિયાન દાવો કર્યો હતો કે આ માણસ નથી પરંતુ પૃથ્વીની બહારના પણ કહી શકાય નહી કારણ કે બહારના કેવા છે તે અંગે આપણે કશુંજ જાણતા નથી. જાઇમ માઉસાનને સત્તાધારી પક્ષના સાંસદ સર્જિયો ગુતિયેરેજ દ્વારા સંસદમાં બોલાવવામાં આવ્યા હતા.










