ભાણવડ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
૬૧ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
બી.આર.સી ભાણવડ ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ અને એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભાણવડ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા જુદી જુદી કેટેગરીના કુલ ૬૧ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ સાધન સહાય કેમ્પ વિતરણમાં વિદ્યાર્થીઓની દિવ્યાંગતા અનુસાર જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને વ્હીલચેર, ટ્રાયસિકલ તેમજ બ્લાઈન્ડ વિદ્યાર્થીઓને મેગ્નેટિક સ્ટીક અને મનોદિવ્યાંગ બાળકોને શૈક્ષણિક સહાયરૂપ થાય તેવી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
આ ઉપરાંત બીજા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓનું નવેસરથી એસસમેન્ટ કરી તેમની જરૂરિયાત અનુસાર તેમને સાધનો હવે પછી આપવામાં આવશે.
આ કેમ્પ સફળ બનાવવા બીઆરસી ભવન ભાણવડનો સ્ટાફ તેમજ જિલ્લા આઇડી કોર્ડીનેટર અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આવેલ ડોક્ટર ટીમે જહેમત ઉઠાવી હતી.









