Rajkot: રાજકોટમાં સવારથી જ ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન માટે નાગિરકો સ્વયંભૂ ઉમટ્યા

તા.૭/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રીશ્રી કુંવરજીભાઈ અને ભાનુબહેન, મેયર શ્રીમતિ નયનાબહેન, સાંસદશ્રી રામભાઈ, ધારાસભ્યશ્રી રમેશભાઈ, ડૉ. દર્શિતાબહેન વગેરેએ સવારમાં જ કર્યો મતાધિકારનો ઉપયોગ
દિવ્યાંગો, સિનિયર સિટિઝન્સ સવારથી જ મતદાન માટે આવવા લાગ્યા
“પહેલા મત, પછી જ નાસ્તો”ના મંત્ર સાથે અનેક નાગરિકોએ મતદાનને આપી પ્રથમ પ્રાથમિકતા
Rajkot: ૧૦-રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આજે ૭મી મેના રોજ સવારથી જ શાંતિમય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. સવાર સવારમાં જ જાગૃત નાગરિકો, દિવ્યાંગો, સિનિયિર સિટિઝન્સ, મહાનુભાવો તેમજ મહિલા મતદારો સ્વયંભૂ મતદાન માટે ઉમટ્યા હતા. અનેક નાગરિકોએ “પહેલાં મત, પછી જ નાસ્તો”ના મંત્ર સાથે મતદાનના પ્રારંભે જ પોતાનો મત આપીને લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.

આજે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તથા રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટનાં મેયર શ્રીમતિ નયનાબેન પેઢડિયા, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબહેન શાહ, પૂર્વ મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, વગેરે મહાનુભાવોએ પરિવારજનો સાથે સવારમાં જ પોતાને સંબંધિત મતદાન મથકોમાં મતદાન કર્યું હતું.


જ્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે તેમનાં પત્ની શ્રીમતિ મિનલજીએ પણ મત આપ્યો હતો. આ સાથે તેમણે સૌ નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી.

રાજકોટ પૂર્વ મતદાન વિસ્તારમાં આદર્શ મતદાન મથકે મતદાતાઓને મતદાન બાદ ફૂલ-છોડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

૬૯ રાજકોટ પશ્ચિમ વિધાનસભા વિભાગમાં ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર સેલ ખાતેના મતદાન મથકમાં વયોવૃદ્ધ મતદાતાએ વહેલી સવારે વ્હીલચેરમાં આવીને મત આપી અન્યોને પણ મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી.
રાજકોટના અનેક મતદાન મથકો પર મતદાન શરૂ થાય, તે પહેલાંથી જ નાગરિકો મત આપવા પહોંચી ગયા હતા અને મતદાનનો પ્રારંભ થતાં ઉત્સાહ સાથે મત આપી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી. બીજી તરફ ચૂંટણી ફરજ પર રહેલા અધિકારી-કર્મચારીઓ પણ શક્ય એટલી ઝડપથી મતદાન કરાવી નાગરિકોને મત આપવા રાહ ન જોવી પડે તેવો પ્રયાસ કરી રહ્યા છે, તો પોલીસે પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવી છે.








