
તા.૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને તા.૭ મે ૨૦૨૪ના રોજ ગુજરાત રાજ્યમાં મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં મહિલા મતદારોની પણ સમાન સહભાગીતા નોંધાય તે માટે આજરોજ ૭૧- વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ લોધિકા તાલુકાના માખાવડ ગામ ખાતે ગત વિધાનસભામાં પુરુષ મતદાર કરતા સ્ત્રી મતદારનું ૨૦% કરતા ઓછું મતદાન થયેલ હોય, તાલુકા વિકાસ અધિકારી લોધિકા દ્વારા સ્ત્રી મતદારોને મતદાન કરવા પ્રેરિત કરી, મતદાન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભારતીય સમાજમાં હજુ પણ અનેક વિસ્તારોમાં મહિલા મતદારો શરમના કારણે મતદાન આપવા માટે બુથ ઉપર આવતા સંકોચ અનુભવે છે,આ માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ સખી મતદાન મથકો પણ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં માખાવડ ગામની મહિલાઓને મતદાનની ફરજ અને અધિકાર વિશે જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા તથા મહિલા મતદારોને મતદાન અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૭૧- રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં હાલ કુલ ૩ લાખ ૮૧ હજાર ૩૯૯ મતદારોમાં ૧ લાખ ૮૧ હજાર ૭૨ મહિલા મતદારો નોંધાયેલ છે ત્યારે નોંધાયેલ મહિલા મતદારો મતદાન કરવા બૂથ પર પણ આવે તે માટે સ્વીપ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ અધિક કલેક્ટર તથા સ્વીપના નોડલ અધિકારી શ્રી જીજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.









