
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર 181 ટીમ દ્વારા મહિલાનું રેસ્કયુ કરી માનવતા ભર્યું કાર્ય કરાયું
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા મથક ખાતે જુની મામલતદાર કચેરી સામે આવેલ ગાંધી ચોકમાં ગાંધીજીના સ્મારકના સહારે કેટલાક વર્ષોથી પડી રહેતી નિરાધાર ઘર પરિવાર વિહોણી મહિલાનું 181 ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
એક અબળાની અતિ ગંભીર ગંભીર સ્થિતિ જોતા એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરાતા મહીસાગર 181 ટીમ દ્વારા બનતી ત્વરાએ બાલાસિનોર ખાતે સ્થળ પર પહોંચી મેલી ગેલી ગંદી થઈ ગયેલ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. લોકોના કહેવા પ્રમાણે આ મહિલાને ગુજરાતી કે હિન્દીમાં સમજણ પડતી નહોતી.
છેલ્લા કેટલાક વર્ષોથી આ મહિલા અહીં પડી રહેતી હતી અને લોકો દ્વારા આપવામાં આવતું ખાવાનું તે ખાતી પીતી હતી. આ મહિલાનું 181 ટીમ દ્વારા રેસ્ક્યુ કરાતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને માનવતા ભર્યા કાર્ય માટે લોકોએ 181 ટીમના હેતલબેન, પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મીબેન, ડ્રાઈવર અનિલભાઈ તથા આ સેવા કાર્ય માં મદદરૂપ થનાર યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને 181 ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.