
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં વઘઇ રેંજમાં સમાવિષ્ટ દગડીઆંબા ગામ નજીક આજરોજ મળસ્કે ખુંખાર દીપડો શિકારની શોધમાં નીકળ્યો હતો.હાલમાં ચોતરફ લીલીછમ વનરાજી હોય જેથી શિકારની શોધમાં ભટકતો આ ખુંખાર દીપડો લિલથી ઘેરાયેલ અને પાણીથી ભરેલ કૂવામાં અચાનક પડી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અહી કૂવામાં દીપડો પડી જતા દીપડાએ ભારે ગર્જનાઓ કરતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા.બાદમાં દગડીઆંબા ગામનાં ગ્રામજનોએ દક્ષિણ વન વિભાગનાં વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીનો સંપર્ક સાધતા વનકર્મીઓની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.અહી ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ ડી.કે.રબારી તથા ગ્રામજનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કુવામાંથી સહીસલામત રીતે દીપડાને બહાર કાઢતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.હાલમાં વઘઇ રેંજની ટીમે આ દીપડાને સુરક્ષિત રીતે પકડી પાડી દુરનાં જંગલ વિસ્તારમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે…





