
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર મંડળના આહવા ખાતે ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે છેલ્લા ચાર દિવસથી પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે.
જેમાં ભાગ લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે , પોસ્ટલ બેલેટથી પોતાનો કિંમતી મત આપી, લોકશાહીની પ્રણાલી નિભાવી હતી.
જેમની સાથે મેન પાવર મેનેજમેન્ટના નોડલ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, આદર્શ આચાર સંહિતા માટેના નોડલ ઓફિસર અને D.R.D.A ડાયરેક્ટર શ્રી એસ.ડી.તબિયાર, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ, બેલેટ પેપર અને પોસ્ટલ બેલેટ માટેના નોડલ ઓફિસર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પ્રાંત કચેરી ખાતે યોજાયેલા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓના યોજાયેલા મતદાન સહિત, વયસ્ક મતદારો, અને દિવ્યાંગ મતદારો કે જેમના ઘરે ઘર જઈને, ચૂંટણી તંત્રે મતદાન કરાવ્યું હતું, તેવા ૧૨૦ મતદારો, ઉપરાંત પોલીંગ પાર્ટી, પોલીસ સ્ટાફ, અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા ૧૯૬૨ અધિકારી, કર્મચારીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા ૧૭૯૪ અધિકારી, કર્મચારીઓને EDC મતપત્રક ઇસ્યુ કરવામાં આવ્યા છે.








