
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લાના ઉખરેલી ગામ ખાતેથી શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શુભારંભ કાર્યક્રમ યોજાયો
વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ઘર આંગણે જ મળી રહી છે યોજનાઓની માહિતી અને લાભ: મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જન કલ્યાણકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓને આવરી લેવાનો લક્ષ્યાંક – મંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૫ મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી આરંભરાયેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં આ યાત્રાના રથને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે મહીસાગર જિલ્લાના ઉખરેલી પ્રા.શાળા ખાતેથી લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું અને નમો ડ્રોન દીદીની યોજનાની શરૂઆતને તાળીઓથી વધાવી હતી.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ કહ્યું હતું કે, વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, દેશ વિકસિત બને ત્યાં સુધી અને ત્યારબાદ પણ વિકાસ અવિરત પણે થતો રહે તેવો સંકલ્પ આપણે સૌ કરીએ. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું અને હાલમાં આ રોલ મોડલને સમગ્ર દેશમાં અપનાવવામાં આવ્યું છે. સર્વાંગી વિકાસના આ મોડેલના આધારે વર્ષ ૨૦૪૭ સુધીમાં સમગ્ર દેશને “વિકસિત ભારત” તરીકે પ્રસ્થાપિત કરવાની પ્રત્યેક ભારતીયની નેમ છે. આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના લાભાર્થીઓને મળવાપાત્ર તમામ લાભ તેમના ઘર આંગણા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી લોકોને ઘર આંગણે જ સરકારની વિવિધ જન સુખાકારીમાં વધારો કરતી યોજનાઓનો લાભ અને માહિતી મળી રહી છે. સરકારી યોજનાઓને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઈ જવા માટે એક પણ લાભાર્થી છૂટી ના જાય તે માટે યાત્રાના માધ્યમથી લાભ પહોંચાડવાના સાથે જન આંદોલન ઉભુ કરવામાં આવી રહ્યું છે.જેને ગામડાઓ સહિત શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
આ કાર્યકમમાં ‘મેરી કહાની મેરી જુબાની ‘ થકી વિવિધ યોજનાના લાભાર્થીઓએ મેળવેલ લાભો અંગેનુ વર્ણન કર્યું હતું. ‘ધરતી કહે પુકાર કે’ નાટીકા રજુ કરાઈ હતી જેમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગેનો સંદેશ અપાયો હતો. સૌએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો.
મહાનુભાવોના હસ્તે પીએમજેએવાયના કાર્ડ, આવાસ યોજના સહિતના લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા હતા.સાથે સાથે નજીકના ખેતરમાં ડ્રોન પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.








