
કેટલાંક મિત્રોએ સ્વામિનારાયણ સંપ્રદાયની આલોચનામાં સમય બગાડવો ન જોઈએ તેવી સલાહ મને આપી છે. તો કેટલાંક સત્સંગી ભક્તોએ પણ રજૂઆત કરી છે : [1] તમને સ્વામિનારાયણ મંદિરમાં સારો ઉતારો મળ્યો નહીં હોય કે ભોજન મળ્યું નહીં હોય કે મહત્વ મળ્યું નહીં હોય એટલે દ્વેષથી તમે ટીકા કરો છો ! [2] તમે ધર્મમાં માનતા નથી એટલે ધાર્મિક વિવાદમાં પડવું ન જોઈએ. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધ લખો છો, અન્ય સંપ્રદાયો વિશે કેમ લખતા નથી? [3] સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતની સાધુ/સંતો/કથાકારો બધાં સરખા છે. ક્યાં તર્કને કોઈ સ્થાન નથી; રેશનાલિઝમને કોઈ સ્થાન નથી; એટલે ટીકા-ટિપ્પણીમાં સમય બગાડવાનો કોઈ અર્થ નથી. સાળંગપુર હનુમાનજીની મૂર્તિનો વિવાદ તેમનો અંગત છે, તેથી વિવાદથી દૂર રહેવું જોઈએ.
થોડી સ્પષ્ટતા : [1] હું ઘણા સ્વામિનારાયણ સંતોને નજીકથી ઓળખું છું. તે માંહેના કેટલાંક સંતોને પોલીસ સર્વિસ દરમિયાન મેં મદદ કરેલી છે. અસામાજિક તત્વોના ત્રાસ દૂર કરવા મદદ કરી છે. સરકારી કાર્યક્રમ કે બંદોબસ્ત દરમિયાન પ્રમુખસ્વામીને અનેક વખત મળેલો છું. ચર્ચા કરી છે. તેમની સાથે મંચ ઉપર બેઠો છું. સરકારી કામે કે મહેમાનો સાથે અક્ષરધામ ગાંધીનગર-દિલ્હી/ વડતાળ/ ગઢડા/ જૂનાગઢ/ નડિયાદ/ ધોલેરા/ ભૂજ/ આટકોટ/ અમદાવાદ/ સાળંગપુર વગેરે સ્થળે મેં સ્વામિનારાયણ મંદિરોની મુલાકાતો લીધી છે, ત્યારે મૂર્તિઓને ધરાવેલ ફૂલહારથી અમારું સન્માન કરવામાં આવ્યું છે. સ્વામિઓ મીઠાઈ લઈને મળવા આવે છે. એટલે ઉતારો ન મળ્યો/ ભોજન ન મળ્યું/ મહત્વ ન મળ્યું તે કારણે હું સ્વામિનારાયણ સંપ્રદાયની આલોચના કરું છું તેમાં તથ્ય નથી. સ્વામિનારાયણના સ્વામીઓ, હંમેશા પોલીસ/ રેવન્યૂ અધિકારી/ જજ/ સત્તાપક્ષના નેતાઓનું ઉમળકાથી સ્વાગત કરતા હોય છે. ત્યાં ગરીબ/વંચિત સત્સંગીને મહત્વ મળતું નથી તે મેં જોયું છે. આ સંપ્રદાયની આલોચના કરવાનું કારણ એ છે કે તેમના તમામ ફિરકાઓ લોકોને મૂર્ખ બનાવે છે, છેતરે છે, ઠગે છે. તેમનું સાહિત્ય પરચા/ ચમત્કારોથી ઠસોઠસ ભરેલું છે; તે કોણીએ ગોળ લગાડવાની યુક્તિ છે. અક્ષરધામના નામે લોકોને ઠગે છે. મોક્ષ અપાવવાની વાત કરી ભક્તોનું ધન હરી લે છે. સાધનશુદ્ધિનો બિલકુલ આગ્રહ હોતો નથી ! [2] એવા કોઈ ધર્મ/સંપ્રદાયમાં હું માનતો નથી જેમાં નૈતિકતાને/ વસુધૈવ કુટુમ્બકમને સ્થાન ન હોય. માત્ર ટીલાંટપકાં/ બાહ્યાચારમાં હું માનતો નથી. ધર્મના વિવાદમાં એટલે પડવું જરુરી છે કે ધર્મ/સંપ્રદાયો પ્રગતિશીલતાને અવરોધે છે. સમાજમાં અસમાનતા/ શોષણ/ અન્યાય ટકી રહે તેવા વિચારો ફેલાવે છે. સમાજમાં નાગરિક ઘડતરને બદલે ભક્તઘડતરને મહત્વ આપે છે. જન્મગત વર્ણવ્યવસ્થાને/ અસ્પૃશ્યતાને ટકાવી રાખે છે. વિધવા વિવાહનો વિરોધ કરે છે. મહિલાઓને અછૂત ગણે છે. સંપ્રદાયમાં કે સંગઠિત ધર્મમાં ભલે માનતા ન હોઈએ પણ ધર્મના નામે થતાં શોષણ/ ઠગાઈ/ અન્યાયનો વિરોધ કરવો તે નાગરિક ધર્મ છે. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધ લખું છું, એવું નથી, બીજા સંપ્રદાયોના પાખંડ વિશે લખ્યું છે. જે સંપ્રદાયોને નજીકથી જાણતા હોઈએ તેના વિશે ન લખીએ અને જેના વિશે જાણતા ન હોઈએ તેના વિશે લખીએ તે ઉચિત કહી શકાય નહીં ! [3] ‘સાળંગપુર હનુમાનજીની મૂર્તિનો વિવાદ તેમનો અંગત છે, તેથી વિવાદથી દૂર રહેવું જોઈએ.’ આ દલીલ સારી લાગે છે, પણ ખતરનાક છે. કોઈ પણ વિવાદ થાય તો તેમાં સત્યને પડખે ઊભા રહેવું તે આપણો નાગરિક ધર્મ છે. સનાતની સાધુ/ સંતો ખોટું કરતા હોય તો તેનો પણ વિરોધ થવો જોઈએ. પરંતુ સાળંગપુર હનુમાનજીની મૂર્તિનો વિરોધ થવાનું કારણ 2014 પછી સ્વામિનારાયણ સંતોનો વાણી વિલાસ બહુ વધી ગયો હતો, એકલદોકલ ઊહાપોહ થતો હતો, પરંતુ હનુમાનજીની મૂર્તિને ચાકર તરીકે રજૂ કરી તેથી આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. ઉપરાંત તેમના સાધુઓની કામલીલાઓના કિસ્સાઓ બન્યા કરે છે. તેમના સાહિત્યમાં એવું લખેલ છે કે “સહજાનંદજી ‘સર્વોચ્ચ ઈશ્વર’ છે. રામ/કૃષ્ણ/ શિવ કરતા પણ ચડિયાતા છે !” ત્યારે કરોડો લોકોની આસ્થા સાથેની આ ગંદી રમતનો પર્દાફાશ કરવો જરુરી બને છે. પાખંડથી/ પરચાથી ‘સર્વોચ્ચ ભગવાન’ બની શ્રદ્ધાળુ લોકોના ધનહરણનો દુષ્ટ ઈરાદો જો ધર્મ-સંપ્રદાયો રાખે, તે માટે જૂઠ્ઠું સાહિત્ય ઊભું કરે, તો તેનો વિરોધ થવો જ જોઈએ. આવા સ્વાર્થી અને જૂઠા સંપ્રદાયોને મોકળું મેદાન આપવાથી સમાજને મોટું નુકસાન થાય છે. પાખંડીઓના કારણે જ સમાજમાં જાતજાતની સમસ્યાઓ ટકી રહી છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પથ્થરને સર્વોચ્ચ ઈશ્વર માને તે સામે વાંધો હોઈ શકે નહીં; પરંતુ જ્યારે તે વ્યક્તિ એવું સાહિત્ય ઊભું કરે કે મારો ‘પથ્થરવાળો સર્વોચ્ય ઈશ્વર’ રામ/કૃષ્ણ/ ઈશુ કરતા મહાન છે તો ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રશ્ન ઊભો થાય છે, જે ચલાવી શકાય નહીં. ધર્મના નામે પણ જૂઠાણાં ફેલાવવા તે ગુનો છે, અનૈતિક કૃત્ય છે. પાખંડની આલોચના કરવાથી વૈજ્ઞાનિક અભિગમનો રસ્તો સરળ બને છે. પાખંડની ટીકા-ટિપ્પણીથી જ લોકો શોષણનો ભોગ બનતાં અટકે છે. આ સંપ્રદાયનું પરચા સાહિત્ય સાળંગપુરના ભીંતચીત્રો જેવું જ છે; કેટકેટલું કઢાવશો? પ્રતિબંધિત કરશો? પરચા સાહિત્ય વૈજ્ઞાનિક અભિગમની હત્યા કરે છે; એટલે આલોચના પ્રાસંગિક બની જાય છે.
સૌથી મોટો સવાલ એ છે કે જૂઠાણાં ફેલાવી પંથને મોટો કરનારા ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ સ્વામીઓ’ સમાજમાં નૈતિકતા દ્રઢ કરી શકે?rs










