
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દંડકારણ્યની પાવન ભૂમિ ઉપર સેવાની ધૂણી ધખાવી, જરૂરિયાતમંદો સુધી વિવિધ સાધન સહાય પહોંચાડતા, વાસુરણાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ દ્વારા, લાયન્સ કલબ-ચીખલીના સહયોગથી તાજેતરમાં ‘મેગા સેવા પ્રોજેકટ’ યોજાઈ ગયો.
સંસ્થાપક સુશ્રી હેતલ દીદી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આ સેવાયજ્ઞ દરમિયાન વાસુરણા સહિત આસપાસના આઠ ગામોના સર્વે આધારિત પસંદ કરાયેલા ૧૦૮ જેટલા અશક્ત વૃદ્ધ વડીલો, વિધુર અને વિધવા, તથા દિવ્યાંગ વ્યક્તિઓને અનાજની કીટ તથા છત્રીનું વિતરણ કરાયું હતું.
પ્રોજેકટ ચેરમેનશ્રી લા.ડો.શરદભાઈ પટેલ-ચીખલીના માર્ગદર્શન હેઠળ, દાતાઓના સહયોગથી વાસુરણા ખાતે આયોજિત આ ‘મેગા સેવા પ્રોજેકટ’ દરમિયાન ભદરપાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ૮૦૦ જેટલી નોટબુક પણ શાળાના પ્રિન્સિપાલશ્રી ડો.કિશોરભાઈ પટેલને અર્પણ કરવામાં આવી હતી.
સુશ્રી હેતલ દીદીના સાન્નિધ્યમાં યોજાયેલા આ સેવાકાર્યમાં મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. શ્રી દિપકભાઇ પખાલે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે સર્વશ્રી લા.પરેશભાઇ પટેલ, લા.ભરતભાઇ પટેલ (રિજયન ચેરમેન), લા.મોનાબેન દેસાઇ (2nd વા.ડિ. ગર્વનર), લા.નેહાબેન દેસાઇ (ઝોન ચેરમેન- ZII), લા,પ્રિયંકા જૈન (ઝોન ચેરમેન-21), લા.નિશી અગ્રવાલ (GST કો.ઓર્ડીનેટર) સહિતના સેવાભાવી સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે ૨૧ જેટલા વૃક્ષોનું વાવેતર પણ કર્યું હતું.








