
તા.૨/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
વિવિધ શાળાઓમાં યોજાયું ચૂંટણીનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશનઃ છાત્રોએ કર્યો મતાધિકારનો ઉપયોગ
જામટીંબડીની હાઈસ્કૂલના છાત્રોનો ચિત્ર સ્પર્ધા, સાઈકલ રેલી તથા બેનર થકી અચૂક મતદાનનો સંદેશ
Rajkot: ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દેશનું ગર્વ પણ છે. હાલ લોકસભાની ચૂંટણી આવી પહોંચી છે, ત્યારે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બને તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સીસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે. જે અંતર્ગત વિવિધ શાળાોમાં પણ ભાવિ નાગરિકો એવા વિદ્યાર્થીઓને મતાધિકારની પ્રક્રિયા અંગે સમજ અપાઈ રહી છે, તો છાત્રો પણ વિવિધ સ્વરૂપે વર્તમાન નાગરિકોને લોકશાહીના હિતમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓમાં મતાધિકાર અંગે જાગૃતિ લાવવા તેમજ તેમને મતદાનની પ્રક્રિયાની સમજ આપવા માટે રાજકોટની નક્ષત્ર પ્રિ-સ્કૂલ, નક્ષત્ર ધો.૧થી ૧૨ની શાળા તથા સાયન્સ ધો. ૧૧-૧૨ સાયન્સ સ્કૂલે અનોખો પ્રયોગ કર્યો હતો. શાળાએ સ્કૂલમાં જ ચૂંટણીનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન યોજીને છાત્રોને ચૂંટણીની આખી પ્રક્રિયા સમજાવી હતી. જેમાં છાત્રોની યાદી તૈયાર કરાઈ, ચૂંટણી બૂથ બનાવાયા હતા. તેમજ પ્રીસાઈડિંગ ઓફિસર પણ બનાવાયા હતા. એ પછી દરેક વિદ્યાર્થી/વિદ્યાર્થિની પોતે પોતાનો નંબર લઈને આવે તેને યાદીમાં (ડમી મતદાર યાદી)માં ટીક કરીને, આંગળી પર શાહીનું ટપકું કરાતું. એ પછી વિદ્યાર્થી મતદાન કૂટિરમાં જઈને મત આપીને મતદાન પ્રક્રિયાનો અનુભવ મેળવતો હતો.

મહત્ત્વનું છે કે, અહીં વિદ્યાર્થિનીઓ સંચાલિત સખી મતદાન મથક પણ બનાવાયું હતું. શાળાએ યોજેલા આ પ્રયોગમાં તમામ છાત્રો-છાત્રાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ તકે તમામ વિદ્યાર્થીઓએ એકસૂરમાં “MY VOTE IS MY FUTURE” (મારો મત મારું ભવિષ્ય છે) – એ સંદેશો આપ્યો હતો. આ સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં વર્તમાન નાગરિકોને પણ અચૂક મતદાન કરીને લોકશાહીનો ધર્મ નિભાવવા અપીલ કરી હતી.

આ ઉપરાંત જામટીંબડીની શ્રીમતિ એલ.આર. મહાદિયા હાઈસ્કૂલમાં પણ મતાધિકાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અહીં ચિત્રસ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ લોકશાહીમાં મતદાનના ઉપયોગ તેમજ મતાધિકારનું મહત્ત્વ સમજાવતાં વિવિધ ચિત્રો બનાવીને, અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત મતદાન અપીલનું બેનર દર્શાવી તેમજ છાત્ર-છાત્રાઓએ સાઈકલ રેલી યોજી અચૂક મતદાનની અપીલ કરી હતી.









