હિંમતનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરાઇ


હિંમતનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરાઇ
********************
પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કુલ બે લાખથી વધુ પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરાઇ
***************
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતા તેમજ નાયબ પશુપાલન નિયામકશ્રી જે. બી પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પશુ ચિકિત્સા દિવસ દર વષૅ એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે ઉજવવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ અબોલ જીવોની સેવા કરનાર તમામ પશુ ચિકિત્સક અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી. વધુંમાં વધું લોકો ગુજરાત સરકાર દ્વારા ચાલતી સેવાનો લાભ લઈ અબોલ પશુ-પક્ષીઓનો અવાજ બને તે માટે અપીલ કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાં વર્તમાનમાં એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૫ દશ ગામ દીઠ ફરતુ પશુ દવાખાનુ કાર્યરત છે. EMRI Green Health Servicesની માહિતી મુજબ જિલ્લામાં હિંમતનગર ખાતે કરુણા એમ્બ્યુલન્સ દ્વારા સેવા શરૂ થયેથી અત્યાર સુધીમાં ૧૩,૭૫૨ રખડતા પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરીને મુંગા જીવોને જીવનદાન આપીને પશુ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રેરણાત્મક ઉદાહરણ પુરુ પાડ્યુ છે.
સરકારશ્રીની દશ ગામ દીઠ ફરતુ પશુ દવાખાનુ યોજના પશુપાલકો માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨,૩૩,૫૩૨ પશુ-પક્ષીઓની સારવાર આપવામાં આવે છે. જેમાં કુલ ૧૩૯૦૯૭ ગાય, ૬૫૨૨૭ ભેંસો, ૨૨૦૨૯ બકરીઓ ,૪૬૪૫ શ્વાન, ૬૮૩ ઘેટાં,
૨૬૦ ઉટ,૮૬૭ મરઘાં, ૧૭૪ ઘોઙા, ૨૪૭ કબુતર, ૧૦૫ બિલાડીઓ, ૩૧ કપીરાજ, ૨૩ ગઘેઙા, ૩૫ ખરગોશ અને ૧૦૯ અન્ય જીવોનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ખૂબ જટિલ ઓપરેશન પણ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. પશુહેલ્પ લાઇન ૧૯૬૨ ટોલ ફ્રી નંબર દ્વારા પશુ પાલકોને ઘર બેઠા પશુ પોષણ અને પશુ પ્રજનનને લગતી સચોટ માહિતી પણ આપવામાં આવે છે. ઉતરાયણ પર્વ દરમ્યાન અસંખ્ય પક્ષીઓનો જીવ બચાવવામાં આ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેવી જ રીતે પશુઓમાં જોવા મળેલ લંપી રોગના ભરડા દરમ્યાન ગાયોના જીવ બચાવવા દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાના દ્વારા ઉત્તમ સેવાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



