
કોરોના વાયરસ સામે વિશ્વ ત્રણ વર્ષથી ઝઝૂમી રહ્યું છે. ઘણા એવા અહેવાલો પણ સામે આવ્યા છે, કે કોવિડ-19 પછી લોકોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. પછી ભલે તે વૃદ્ધ હોય કે યુવાન. હાર્ટ એટેક કોઈ ઉંમર સુધી મર્યાદિત નથી. આ જોખમ બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો બધામાં જોવા મળે છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 5-6 લાખ લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. આમાંનો મોટો હિસ્સો 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો છે.
શા માટે આવે છે હાર્ટ એટેક?
જયારે મનુષ્યના હૃદયને પુરતું ઓક્સીજન નથી મળતું ત્યારે હાર્ટ એટેક આવે છે. સામાન્ય રીતે નસમાં બ્લોકેજ હોવાથી હૃદય સુધી લોહી પહોંચતું નથી અને સખત દુખાવો થાય છે. હાર્ટ એટેકના લક્ષણોમાં જોઈએ તો છાતીમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, ખૂબ જ પરસેવો આવવો, બેચેની લગાવી તેમજ દાંત કે જડબામાં દુખાવો થવો.
કોવિડ એટેકના વધતા કેસ માટે જવાબદાર
ઓક્ટોબર 2023માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એક નિવેદનમાં કોવિડને હાર્ટ એટેકના વધતા જતા કેસ માટે જવાબદાર ગણાવ્યું હતું. લોકોને કોરોનાના સંક્રમણના કારણે હૃદય રોગ અને કાર્ડિયાક અરેસ્ટનું જોખમ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક રિપોર્ટ મુજબ કોરોના વાયરસના ગંભીર પ્રભાવના કારણે હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. આથી હાલ હાર્ટ એટેકથી બચવા માટે એક-બે વર્ષ વધુ કસરત ન કરવાણી સલાહ આપવામાં આવી છે.
કોવિડ બાદ હાર્ટ એટેકના કેસ વધવાનું કારણ
કોવિડ પછી હાર્ટ એટેકના વધતા કેસ બાબતે જાણવા માટે એટેકથી મૃત્ય પામેલા 100થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે કોરોનાના સંક્રમણથી સીધી અસર વ્યક્તિના હૃદય પર પડે છે. જેના કારણે હૃદયમાં બ્લોકેજ થાય છે અને હૃદયની ધમનીઓમાં લોહી ગંઠાઈ જાય છે. બ્લોકેજના કારણે હૃદયને લોહી ઓછું મળે છે અને હૃદયને લોહી પમ્પ કરવામાં તકલીફ પડે છે. જેના કારણે હાર્ટ એટેક આવે છે. આ રિપોર્ટમાં કોરોનાથી રીકવર થયેલા લોકો પર પણ જોખમ બાબતે જાણકારી આપવામાં આવી છે. છાતીમાં દુખાવો, બેચેની, શ્વાસ લેવામાં તકલીફ, પેટ, પીઠ, ખભા કે ગરદનમાં દુખાવો થવા જેવા હળવા લક્ષણો જોવા મળે તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
તંદુરસ્ત યુવાનો પણ કેમ બને છે હાર્ટ એટેકનો શિકાર?
હાર્ટ એટેકને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. બાળકથી માંડીને વૃદ્ધો સુધી કોઈપણને હાર્ટ એટેક આવી શકે છે. વર્તમાન સમયમાં યુવાનોની જીવન શૈલીમાં બહારની ખાણીપીણીની આદતો, વ્યસન, તણાવ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ હોવાના કારણે યુવાનોને પણ હૃદય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત યુવાનોમાં પણ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યાઓ જોવા મળતી હોય છે. જે તેમની જીવન શૈલીના કારણે અથવા તો વારસાગત હોય છે. જેના કારણે પણ તેમને હાર્ટ એટેકનું જોખમ રહે છે.










