
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ ખાતે ત્રણ દિવસ સુધી પ્રદર્શન યોજાશે
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર પ્રેરીત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ-ડાંગ, અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, આહવાના સંયુક્ત ઉપક્રમે, વઘઇના શિક્ષણ અને તાલીમ ભવન ખાતે તા.૬ થી ૮ ડિસેમ્બર સુધી એજ્યકેશન ફેસ્ટિવલ શરૂ કરવામા આવ્યો છે.
વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનની ઉપસ્થિતિમા, જિલ્લા કક્ષાનું ૪૮મું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન (સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી) તથા દક્ષિણ ઝોન કક્ષાનો એજયુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલને ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, શિક્ષકગણ બાળકોનુ યોગ્ય ઘડતર, સાચું શિક્ષણ આપીને સમાજમાં સારા શિક્ષકો, ડોકટર, વૈજ્ઞાનીકો વિગેરેનુ નિર્માણ કરી શકે છે. હાલના સમયમાં માનવીનું જીવન ભૌતિક સુવિધાઓથી જોડાયેલું છે ત્યારે વૈજ્ઞાનિક ટેક્નોલોજી ધરાવતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો યોગ્ય રીતના મહતમ ઉપયોગ કરવા સૂચવ્યું હતું.
ગણિત વિજ્ઞાન જેવા વિષયોની નવી નવી બાબતોમાં નવા સંશોધનો થાય તે માટે બાળકોને અત્યારથી જ આ ગણિત પર્યાવરણ પ્રદર્શન જેવા કાર્યક્રમો સાથે જોડવામાં આવે તે જરૂરી છે, તેમ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને જણાવ્યું હતું.
કોઈપણ મોટી સફળતાની શરૂઆત હમેંશા નાની કક્ષાએથી થાય છે. ત્યારે બાળ વૈજ્ઞાનિકોના આવા કાર્યક્રમો થકી તેઓને ભવિષ્યમા વૈજ્ઞાનિકો બનાવી શકાય છે, તેમ જિલ્લા કલેક્ટર શ્રી મહેશભાઈ પટેલે આ પ્રંસગે જણાવ્યું હતું.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરતા, દેશમાં નવા સંશોધન કેન્દ્રો સ્થાપી તેને પ્રોત્સાહિત કર્યા છે. જેના કારણે ભારત આજે ટેક્નોલોજી ક્ષેત્રે દુનિયામાં પોતાનું નામ રોશન કરી રહ્યો છે. ભારત દ્વારા ચંદ્રયાનનો સફળ પ્રોજેક્ટ, તેજસ ફાઇટર વિમાન, મિસાઈલ વિગેરેની બનાવટ કરવામાં આવી છે તેમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. એમ. ડામોરે જણાવ્યું હતું.
નેશનલ કાઉન્સીલ ઓફ એજયુકેશનલ રિસર્ચ અને કાઉન્સીલ (NCERT) તથા NEP-2020 ના માર્ગદર્શક સિધ્ધાંતો મુજબ, વિજ્ઞાન પ્રદર્શનની સલાહકાર સમિતિએ આ રાષ્ટ્રીય પ્રદર્શનનું નામ “રાષ્ટ્રીય બાલવૈજ્ઞાનિક પ્રદર્શન” (RBVP) રાખ્યું છે. જેનો મુખ્ય હેતુ બાળકોની જિજ્ઞાસાવૃતિને પોસવી, ગણિત-વિજ્ઞાનની અનુભૂતિ કરાવવી, ભૌતિક અને સામાજીક પર્યાવરણ સાથે જોડીને જ્ઞાન આપવું. વિવિધ સમસ્યાોઓના સમાધાન માટે પ્રેરિત કરવા. આત્મનિર્ભરતા, તકનિકિના વિકાસનું વિશ્લેષણ, ખેતી-ખાતર-ખોરાક ઉત્પાદન પ્રક્રિયા, બાયો-ટેકનોલોજી, પ્રદુપણ મુક્ત ઉર્જા, આપતિ વ્યવસ્થાપન, માહિતી પ્રસારણ, પરિવહન તેમજ જળવાયુ પરિવર્તનની સમસ્યાઓનો સામનો વિગેરે જેવા ક્ષેત્રોમાં નવા ઉપાયો શોધવાના વિજ્ઞાન અને ગણિતની ભૂમિકા સમજાવવામાં આવે છે.
આ વિજ્ઞાન અને ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં ડાંગ જિલ્લાની પ્રાથમિક ક્ષેત્રની ૬૦ કૃતિઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ક્ષેત્રની ૨૫ કૃતિઓ મળી કુલ ૮૫ જેટલી કૃતિઓનું પ્રદર્શન યોજવામા આવ્યુ હતુ. જેમાં ૧૪૫ બાળવૈજ્ઞાનિકો તથા ૮૫ જેટલા માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ફેસ્ટિવલમા ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, અને ડાંગ જિલ્લાના પ્રાથમિક વિભાગના ૨૧ શિક્ષકો અને મા.અને ઉ.મા.વિભાગના ૧૪ શિક્ષકો મળી કુલ ૩૫ ઈનોવેટિવ શિક્ષકો પોતાના નવતર પ્રયોગોનું પ્રદર્શન યોજવામા આવ્યુ હતુ.
પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષકો શ્રી સંદિપભાઇ પટેલ તેમજ શ્રી વિજયભાઇ ખાંબુએ એન્કરિંગ સાથે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સંભાળી પોતાની સેવા આપી હતી.
આ કાર્યક્રમમા ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, સામાજિક કાર્યકર શ્રી સુભાસભાઈ ગાઇન, વઘઈ મામલતદાર શ્રી આર.એમ.ચૌધરી, ડાયટ પ્રાચાર્યાશ્રી ડો.ભગુભાઈ રાઉત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રભાઈ ઠાકરે, ટી.પી.ઓ, સી.આર.સી, બી.આર.સી, શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.









