
નવી દિલ્હી, તા.26 ઓગસ્ટ-2023, શનિવાર
સુપ્રીમ કોર્ટે સીબીઆઈની અરજી ચાર્જશીટની ભાષા અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તપાસ એજન્સી કોર્ટની ભાષામાં જ ચાર્જશીટ ફાઈલ કરે, તેવી કોઈ જોગવાઈ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર હેઠળ નથી. સીઆરપીસીની કલમ 272 હેઠળ રાજ્ય સરકાર, હાઈકોર્ટ અને અન્ય નીચલી કોર્ટો ભાષા અંગે નિર્ણય લઈ શકે છે. જસ્ટિસ અભય એસ.ઓકા અને જસ્ટિસ રાજેશ બિંદલની ખંડપીઠે સીબીઆઈની અરજી પર આ આદેશ આપ્યો છે.
ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટે વ્યાપમ કૌભાંડની સુનાવણી હાથ ધરતી વખતે કૌભાંડના 2 આરોપીઓને હિંદીમાં ચાર્જશીટ ઉપલબ્ધ કરાવવા સીબીઆઈને કહ્યું હતું, જેની સામે સીબીઆઈએ વાંધો ઉઠાવી મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટની ભાષામાં અથવા જે ભાષાને આરોપી સમજતો નથી, તે સિવાયની અન્ય ભાષાની ચાર્જશીટ ગેરકાયદે નથી. માત્ર શરત એટલી છે કે, તેમાં ન્યાય નિષ્ફળ ન થવો જોઈએ… કોર્ટે કહ્યું કે, સીઆરપીસીની કલમ 272 હેઠળ રાજ્ય સરકાર, હાઈકોર્ટ અને નીચલી કોર્ટ ભાષા નક્કી કરી શકે છે, પરંતુ કલમ 272 હેઠળ એવી શક્તિ નથી કે, તપાસ એજન્સી અથવા પોલીસ પણ ભાષા નક્કી કરે…. સીઆરપીસીની કલમ 207 હેઠળ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીઓને ચાર્જશીટ અને અન્ય દસ્તાવેજોની કોપી ઉપલબ્ધ કરાવવાની હોય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આરોપી ઉપલ્બધ કરાવાયેલ ચાર્જશીટ અને અન્ય દસ્તાવેજોની ભાષા સમજી શકતો નથી, તો આરોપીએ કોર્ટ સમક્ષ વહેલીતકે વાંધો દાખલ કરવો જોઈએ, જેથી તેને ભાંષાતર કરેલા દસ્તાવેજો ઉપલ્બધ કરાવી શકાય છે. કોર્ટે કહ્યું કે, જો આરોપીનો વકીલ ચાર્જશીટની ભાષા સમજે છે તો તે તેના ક્લાયન્ટને તે સમજાવી શકે છે… આવી સ્થિતિમાં આરોપીને ભાષાંતર કરેલા દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાની જરૂર નથી… કોર્ટે કહ્યું કે, જો આરોપી ચાર્જશીટની ભાષા સમજતો નથી તો પણ ચાર્જશીટ ગેરકાયદે નથી અને આ આધારે જામીન માંગી શકાય નહીં.










