
તા.૧૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
તાલુકા કક્ષાએથી પસંદગી પામેલ ૭૦ જેટલી શ્રેષ્ઠ કૃતિઓનું ૧૪૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શન
Rajkot, jetpur: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.) ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, રાજકોટ, જિલ્લા શિક્ષણ સમિતિ રાજકોટ અને બી.આર.સી. ભવન જેતપુર દ્વારા આયોજિત રાજકોટ જિલ્લા કક્ષાના પ્રાથમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન – વર્ષ ૨૦૨૩-૨૪ નું આયોજન નિલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલ, નવી સાંકળી, જેતપુર ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગોમાં ૭૦ માર્ગદર્શક શિક્ષકો અને ૧૪૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા ૭૦ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કૃત્તિ નિદર્શનની સાથોસાથ તા.૧૧ ડિસેમ્બરના રોજ રાત્રીના બાળ સાહિત્યકારશ્રી કિરીટ ગોસ્વામીની બાળ સંગીત સંધ્યા યોજાઈ હતી. તા. ૧૨ ડિસેમ્બરના રોજ કેળવણીકાર અને લેખકશ્રી ડો. રવજી ગાબાણી, શ્રી મુકેશ સોજીત્રાના પ્રેરક ઉદબોધનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૩ ડિસેમ્બરના રોજ બપોરે આ પ્રદર્શનનો સમાપન સમારોહ યોજાશે.
આ કાર્યક્રમનો વિધિવત શુભારંભ તા. ૧૧ ડિસેમ્બર ના રોજ સંસ્થાના સંતગણ, ડાયેટ પરિવાર, બી.આર.સી. તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જેતપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સંઘ સભ્યો સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, જ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાન એ કેળવણીનું આધારભૂત અંગ બન્યું છે ત્યારે કેળવણી બાળકોની કૂતુહલ અને જીજ્ઞાસાવૃત્તિ સંતોષવાનું માધ્યમ બની રહે તે હેતુને સિધ્ધ કરવા જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા દર વર્ષે વિવિધ કક્ષાએ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
તાલુકા કક્ષાએથી પસંદગી પામેલ શ્રેષ્ઠ કૃતિઓના સર્જક એવા બાળવૈજ્ઞાનિકોના પ્રદર્શનને નિહાળવા અને તેઓને નવી ઊર્જા પ્રદાન કરવા તેમજ બિરદાવવા હેતુ જાહેર જનતાને પધારવા જિલ્લા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સમિતિ-જેતપુર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.