ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટે રેવન્યુ, ફોરેસ્ટ અને મનપા તંત્રની સંયુક્ત કાર્યવાહી: રુ. ૨૫૮૦૦ નો દંડ, બે દુકાનો સીલ કરવામાં આવી
શહેર વિસ્તારની હોલસેલ દુકાનમાંથી અંદાજે ૮૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી માટે ભવનાથ વિસ્તારમાં રેવન્યુ, ફોરેસ્ટ અને મનપા તંત્ર દ્વારા સંયુક્ત ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં દુકાનદાર સહિતનાઓને રુ.૨૫,૮૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. બે દુકાનો સીલ કરવામાં આવી હતી.
પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા, જૂનાગઢ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર, ટેક્સ અને સેક્રેટરી કલ્પેશ ટોલીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલીયા સહિતના અધિકારીઓ – કર્મચારીઓની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનારની દુકાન સીલ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર વિસ્તારમાં હોલસેલ દુકાનમાંથી અંદાજે ૮૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. દુકાન પણ સીલ કરવામાં આવી હતી.
આમ, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને અને અટકાવવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહાશિવરાત્રિના મેળા દરમિયાન જ પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અટકાવવા માટે દંડ સહિતની જરુરી કાર્યવાહી કરવામાં આવી હતી.