
પૂર્વ નિર્ધારીત એમોનિયા ગેસ લીકેજની મોકડ્રિલમાં ફાયર, પોલિસ, હેલ્થ સહિતની એજન્સીઓની રાહત-બચાવની કામગીરી
જૂનાગઢ તા.૨૯ તંત્રની સજાગતા અને સતર્કતાના પરીક્ષણ માટે સમયાંતરે મોકડ્રિલ યોજવામાં આવે છે. તેવી એક મોકડ્રિલ જૂનાગઢ ખાતે મધર ડેરીમાં યોજવામાં આવી હતી. જેમાં પુર્વ નિર્ધારીત રીતે એમોનિયા ગેસ લિકેજનો સિનારીયો ઉભો કરવામાં આવ્યો હતો. જેમા ફાયર, પોલિસ, આરોગ્ય સહિતની એજન્સીઓએ સમયસૂચકતા સાથે રાહત બચાવ માટે કાર્યવાહી હાથ ધરી હતી. આમ, વિવિધ વિભાગોના સંકલન સાથે સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ હતી.
રાહત-બચાવ માટે એજન્સીઓએ જરૂરી સંકલન સાધી અને સુરક્ષા સાધનો સાથે એમોનિયા ગેસ લિકેજને રિકવર કર્યુ હતુ. આ મોકડ્રિલના માધ્યમથી ખાસ વિવિધ ઇમરજન્સી સેવાઓ અને વિભાગનો આપત્તિને રિસ્પોન્ડ કરવાનો સમય અને તેને અનુલક્ષીને કામગીરીને નોંધવામાં આવે છે. આમ, આ ફિડબેકના આધારે આપત્તિના સમયમાં રાહત બચાવની કામગીરીને વધુ સુદ્રઢ કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.એફ.ચૌધરીએ માકડ્રિલ માટે જરૂરી તૈયારીઓ સંદર્ભે બેઠક કરી હતી. અંતમાં પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે મોકડ્રિલની સમીક્ષા કરી હતી.
આ ઓફ સાઈટ મોકડ્રિલ અનુસંધાને સંબંધીત વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા- ઉપસ્થિત રહ્યા હતા.